Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

આજે રાજધાની દિલ્હીમાં પણ અનુભવાયા ધરતી કંપના આંચકા

રિકસ્ટ સ્કેલ ર.૧ નો આંચકો નોંધાયો : સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ

નવી દિલ્હી: રવિવારે સવારે 12 વાગ્યાની આસપાસ રાજધાની દિલ્હી નજીક ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ રવિવારે બપોરે ભારતની નવી દિલ્હી નજીક રિક્ટર સ્કેલ પર 2.1 ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર ભારતની નવી દિલ્હીથી 8 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં (એનડબ્લ્યુ) હતું. ભૂકંપ ભારતીય સમય મુજબ બપોરે 12:02 વાગ્યે સપાટીથી 7 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

અરુણાચલ પ્રદેશમાં એકવાર ફરી 1.02 વાગે આંચકા અનુભવાયા હતા. અરુણાચલના પેંગિનમાં આ ઝટકા આવ્યા હતા. રિક્ટર પર આની તીવ્રતા 3.1 રહી. મણિપુરમાં સવારે 1. 22 મિનિટ પર ભૂકંપના આંચકા અનુભવાયા. મણિપુરના શિરુઈ ગામમાં આંચકા અનુભવાયા. રિક્ટર પર આની તીવ્રતા 3.6 મપાઈ છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો શુક્રવારે વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતના 3 રાજ્યોમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3 રાજ્યોમાં ભૂકંપના ઝટકા અલગ અલગ સમયે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. રિક્ટર સ્કેલ પર ભૂકંપી તીવ્રતા 4.1, 3.0, અને 2.6 હોવાનું જાણવા મળ્યું હતુ. આ ભૂકંપના આંચકા ક્રમશઃ સોનિતપુર એટલે કે આસામ, ચંદેલ એટલે કે મણિપુર અને પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની ખાતરી કરી હતી.

નોંધનીય છે કે શુક્રવારે કચ્છમાં ફરી ધરા ધ્રુજી, કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા કચ્છવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું જણાયું હતું જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું છે. મહત્વનું છે કે સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપની આંચકા નોંધાયા હતા.

(2:38 pm IST)