Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

પાક વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું અમારી જમીન પરથી અમેરિકાને હુમલો કરવા પરવાનગી હરગીઝ નહિ અપાય

તાલીબાનને બચાવવા વધુ એક વખત પાકિસ્તાનનો પ્રયાસ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને તાલિબાનની મદદ માટે અમેરિકાના એક મોટા પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. હકીકતમાં અમેરિકાએ ઇમરાન ખાનને વિનંતી કરી હતી કે તે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં તેને એક સીક્રેટ એરબેઝ ઉપલબ્ધ કરાવે. આ એરબેઝથી અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ અફઘાનિસ્તાનમાં સીક્રેટ ડોન મિશનને અંજામ આપવાની હતી. તેના બદલે અમેરિકાએ પાકિસ્તાનને રોકવામાં આવેલી આર્થિક મદદ ફરી શરૂ કરવાની લાલચ પણ આપી હતી. પરંતુ ઇમરાન ખાને પોતાના દોસ્ત તાલિબાનને બચાવવા માટે અમેરિકાની આ ઓફરને ઠુકરાવી દીધી છે.

ઇમરાન ખાને કહ્યુ કે, અફઘાનિસ્તાનથી અમેરિકાની આ વર્ષે વાપસી બાદ સીઆઈએને પાકિસ્તાનની ધરતીથી પોતાના ઓપરેશનને લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પહેલા ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને અમેરિકાને અફઘાનિસ્તાનમાં મિશન સંચાલિત કરવા માટે પોતાના એરસ્પેસના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ ખબર બાદ પાકિસ્તાનમાં બબાલ મચી ગયો હતો. આ કારણ છે કે ઇમરાન સરકારે તત્કાલ આ નિર્ણયને બદલતા અમેરિકાને એરબેઝ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

પાકિસ્તાનને એરબેઝ આપવા મનાવવા માટે અમેરિકી રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન અને ગુપ્તચર એજન્સી સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે ઇસ્લામાબાદના પ્રવાસ કર્યા હતા. તેમ છતાં તાલિબાનની સાથે પોતાના નજીકના સંબંધને કારણે પાકિસ્તાને એરબેઝ આપવાનો ઇનકાર કરી દીધો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇમરાનના આ ઇનકારથી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સંબંધ ફરી ખરાબ થઈ શકે છે.

મેના અંતિમ સપ્તાહમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુઈદ યૂસુફે અમેરિકાના એનએસએ જૈક સુલિવાન સાથે જિનેવામાં મુલાકાત કરી હતી. આ દરમિયાન મુઈદ યૂસુફે અમેરિકી એનએસએ જૈક સુલિવાનને પાકિસ્તાન અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને સુરક્ષા અને રક્ષા પર નહીં પરંતુ અર્થવ્યવસ્થા અને વ્યાપારને આધાર પર વધારવાની વકાલત કરી હતી. પરંતુ બંને અધિકારીઓએ જણાવ્યું નહીં કે શું આ એરબેઝને લઈને કોઈ વાતચીત થઈ છે કે નહીં.

9/11 હુમલા બાદ અમેરિકી સેનાએ તાલિબાન સામે બદલો લેવા માટે પાકિસ્તાનના બે એરપોર્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. હકીકતમાં અમેરિકાને અફઘાનિસ્તાનમાં સૈન્ય અભિયાનો માટે પાકિસ્તાનના એરપોર્ટ અને જમીની ક્ષેત્રની જરૂર પડી રરી હતી. આજ કારણ હતું કે બંને દેશોએ ત્યારે એએલઓસી અને જીએલઓસી સમજુતી કરી હતી. એએલઓસી સમજુતીથી અમેરિકા પાકિસ્તાના બે એરબેઝનો ઉપયોગ કરતી હતી જ્યારે જીએલઓસીથી તે પાકિસ્તાની જમીનનો ઉપયોગ સૈન્ય અભિયાન માટે કરતું હતું.

(1:23 pm IST)