Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

વડાપ્રધાનની કાશ્મીરના નેતાઓ સાથે બેઠક યોજાઇ તે પૂર્વે જ પાકિસ્તાન ગભરાયું !!

પાક વિદેશમંત્રીએ બેઠકને લઇને નિવેદન જારી કરવું પડ્યું

ઈસ્લામાબાદ: કાશ્મીરી નેતાઓ સાથે પીએમ મોદી (PM Modi) ની 24 જૂનના રોજ એક મહત્વની બેઠક યોજાવવાની છે. આ મુલાકાતને લઈને પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) ના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને પોકળ ધમકી આપી છે કે કાશ્મીર ખીણને વહેંચવાની અને તેની ડેમોગ્રાફીને (જનસંખ્યાની સ્થિતિ) બદલવાના ભારતના કોઈ પણ પગલાંનો તે વિરોધ કરશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય કાર્યાલયના જણાવ્યાં મુજબ વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે ભારતે 5 ઓગસ્ટ 2019ના રોજની કાર્યવાહી બાદ કાશ્મીરમાં કોઈ પણ ગેરકાયદે પગલું ભરતા બચવું જોઈએ.

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના 14 નેતાઓને પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં થનારી એક ઉચ્ચ સ્તરની બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનું માળખું તૈયાર કરવામાં આવશે.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતના 5 ઓગસ્ટ 2019ના રોજ લેવાયેલા પગલાનો સંપૂર્ણ રીતે વિરોધ કર્યો છે અને આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતના એવા કોઈ પણ પગલાંનો વિરોધ કરવાનો સંકલ્પ લે છે કે જે વિસ્તારની જનસાંખ્યાની સ્થિતિ (ડેમોગ્રાફી) ને બદલવા માટે જમ્મુ કાશ્મીરને વિભાજીત કરનારું હોય. કુરેશીએ કહ્યું કે તેમણે સુરક્ષા પરિષદના અધ્યક્ષ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને ભારતના સંભવિત પગલાથી માહિતગાર કરી દીધા છે.

(12:29 pm IST)