Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ભારતમાં કોરોનાના નવા ૫૮૪૧૯ કેસો નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭૬નાં મોત થયા : કોરોનાના વધુ ૫૮ હજાર દર્દીઓ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૨૯૮૮૧૯૬૫ સાથે ૩ કરોડની નજીક પહોંચી

નવી દિલ્હી,તા.૨૦ : ભારતમાં કોરોનાના કેસની સંખ્યાની સાથે હવે મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. અઠવાડિયાના અંતમાં મોટા ઘટાડાનો આંકડો જોવા મળ્યો છે. ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં પણ સતત ઘટી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૯,૪૧૯ નવા સંક્રમણ નોંધાયા છે. આ સાથે ૮૧ દિવસ પછી ભારતમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો ૬૦ હજારની નીચે ગયો છે. બીજી તરફ કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા ઘટીને ૧,૫૭૬ નોંધાઈ છે. એક દિવસ અગાઉ નવા કેસની સંખ્યા ૬૦ હજારને પાર ગઈ હતી જ્યારે ૧,૬૪૭નાં મોત થયા હતા. કોરોનાના નવા કેસમાં ઘટાડો અને બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પાછલા ૨૪ કલાકમાં ૮૭,૬૧૯ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા થયા છે. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૮૭,૬૬,૦૦૯ પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાના વધુ ૫૮ હજાર દર્દીઓ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૨,૯૮,૮૧,૯૬૫ સાથે ૩ કરોડની નજીક પહોંચી ગઈ છે.

      જ્યારે કુલ મૃત્યુઆંક ૩,૮૬,૭૧૩ થઈ ગયો છે. બીજી લહેરમાં જે રીતે દૈનિક કેસની સંખ્યા ૪૦ હજાર અને એક્ટિવ કેસની સંખ્યા ૪૦ લાખની નજીક પહોંચી ગયા હતા. તે હવે ઘટી ગયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૭,૨૯,૭૧૩ થઈ ગયા છે. ૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોનાના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ૨૭,૬૬,૯૩,૫૭૨ ડોઝ આપવામાં આવ્યા છે. આઈસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં કુલ ૩૯,૧૦,૧૯,૦૮૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૯ જૂનના રોજ ૧૮,૧૧,૪૪૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો.

(7:49 pm IST)