Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ચીન-રશિયાને જવાબ આપવા અમેરિકા અંતરિક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરશે

અમેરિકા આંખના પલકારામાં કોઈ પણ દેશનો ઉપગ્રહ તોડી પાડશે.

વૉશિંગ્ટન: અમેરિકન સ્પેસ ફોર્સનું નિર્માણ ૨૦૧૯માં જ થઈ ચૂક્યું હતું. અમેરિકાએ સ્પેસ ફોર્સ બનાવીને તેને સૈન્યની સત્તાવાર પાંખ જાહેર કરી હતી.હવે અમેરિકા વધુ એક મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. અંતરિક્ષમાં એનર્જી વેપન્સ તૈનાત કરીને અમેરિકા વધારે શક્તિશાળી બનશે.
 અમેરિકન સ્પેસ ફોર્સ (યુએસએસએફ)ના સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરવામાં આવી હતી કે અમેરિકા અંતરિક્ષમાં ડાયરેક્ટ એનર્જી વેપન્સ તૈનાત કરશે. આ હથિયાર એક્ટિવેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ હથિયાર એટલું ખતરનાક હશે કે અમેરિકા આંખના પલકારામાં કોઈ પણ દેશનો ઉપગ્રહ તોડી પાડશે.
  યુએસએસએફના એનર્જી વેપન્સ એટલા શક્તિશાળી હશે કે દુનિયાના કોઈ પણ ખૂણે હુમલો કરવો હશે તો તેના માટે એકદમ સરળ હશે. અમેરિકન સંસદમાં આર્મ્ડ સર્વિસીસ કમિટી સમક્ષ બજેટની પેશકશ કરતી વખતે સ્પેસ ઓપરેશનના વડા જનરલ જે રેમન્ડે જાણકારી આપતા કહ્યું હતું કે અમેરિકન ઉર્જા હથિયારો એટલા શક્તિશાળી હશે કે જરૃર પડયે દુશ્મન દેશોના ઉપગ્રહો તોડી શકશે. અમેરિકા કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઉપગ્રહોનું રક્ષણ કરવા માટે પણ આ સ્પેસ ફોર્સનો ઉપયોગ કરશે.
  સ્પેસ ફોર્સના વડાએ કહ્યું હતું કે ચીન અને રશિયા ઝડપભેર અંતરિક્ષની ક્ષમતાનો વિકાસ કરી રહ્યા છે. એવા સંજોગોમાં અમેરિકાએ સ્પેસ ફોર્સને વધુ મજબૂત કરવાની જરૃરિયાત છે. અમેરિકાની શક્તિનો મુખ્ય આધાર આર્થિક અને લશ્કરી છે એવા સંજોગોમાં સ્પેસ ફોર્સ દુનિયાની સૌથી શક્તિશાળી સ્પેસ ફોર્સ તરીકે કાર્ય કરે તે જરૃરી હોવાનું આ અમેરિકન અધિકારીએ કહ્યું હતું.
  અમેરિકન સ્પેસ ફોર્સના વડાએ દાવો કર્યો હતો કે અમેરિકાને જવાબ આપવા રશિયા અને ચીન પણ સ્પેસ ફોર્સ બનાવીને ડાયરેક્ટ એનર્જી વેપન્સ તૈનાત કરી રહ્યા છે. ચીન-રશિયાના વેપન્સ અમેરિકન ઉપગ્રહોને ભવિષ્યમાં નિશાન બનાવી શકે છે. એવા સંજોગોમાં અમેરિકાએ સ્પેસ ફોર્સમાં વધારે બજેટ આપીને અત્યારથી જ મજબૂત બનાવવું જોઈએ.
  અમેરિકન સ્પેસ ફોર્સે અમેરિકન સંસદ સમક્ષ પૂરતાં બજેટ માટે રજૂઆત કરી હતી અને સ્પેસ ફોર્સને આર્મીના મહત્વના અંગ તરીકે મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

(12:00 am IST)