Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં મુસાફરો ભરેલી બસ ૬૫૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકી : ૨૭ લોકોના મોતની આશંકા

લુકાનસ પ્રાંતમાં દુર્ઘટના સર્જાઈ: ખાણમાં કામ કરનારા મજૂરો બસમાં મુસાફરી કરી રહ્યા હતા.

પેરુ : દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી બસ શુક્રવારે રાત્રે ૬૫૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨૭ જેટલા લોકોના મોત થઇ ગયા હતા. તો સાથે સાથે, ૧૩ જેટલા લોકો ઘાયલ થયા છે

 . સ્થાનિક અધિકારીઓ અને ખનન કંપનીના જણાવ્યા મુજબ આ બસમાં ખાણમાં કામ કરનારા મજૂરો મુસાફરી કરી રહ્યા હતા.ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા મુજબ લુકાનસ પ્રાંતમાં આ દુર્ઘટના સર્જાઈ છે અને બસમાં મુસાફરી કરી રહેલા લોકો પહાડ પરથી નીચે પટકાયા હતા. દુર્ઘટનાના વિડીયો ફૂટેજમાં બસને પલટી ખાતા જોઈ શકાય છે. જેમાં બસની છત અને ખુરસીઓ ઉખડી ગઈ હતી. પેરુના દક્ષિણી ભાગના રસ્તાઓને ઘણા જ ખતરનાક માનવામાં આવે છે.જે કંપનીમાં આ કર્મચારીઓ કામ કરતા હતા તે લંડનની હોશચાઈલ્ડ માઇનિંગ કંપની છે.

 કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું છે કે અમે આ સમાચારથી ઘણા જ દુઃખી છે, ભાંગી પડ્યા છીએ. આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, અત્યારે મારી પ્રાથમિકતા પીડિત પરિવારોનો સાથ આપવાની છે. તેના માટે અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.પોલીસનું કહેવું છે કે આ માર્ગ અકસ્માત કાયા કારણે થયો તે હજુ જાણવા નથી મળ્યું. આ બસ પાલાનકાટા ગોલ્ડ એન્ડ સિલ્વર માઇનથી એરેક્વિપા શહેર જઈ રહી હતી.

(12:00 am IST)