Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો

કોરોના હવે પ્રાણીઓમાં પણ જોવા મળ્યો : સિંહોના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું

ચેન્નાઈ, તા.૧૯ : તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ ૧૯ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.૧.૬૧૭.૨નું સંક્રમણ થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વેરિએન્ટને 'ડેલ્ટાલ્લ નામ આપ્યું છે. પાર્ક દ્વારા શુક્રવારે આ અંગે માહિતી આપવામાં આવી હતી. બાયોલોજીકલ પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યું કે ચાલુ વર્ષે ૧૧મેના ડબલ્યુએચઓએ વાયરસ બી.૧.૬૧૭.૨ વેરિએન્ટને ચિંતાજનક ગણાવ્યો હતો અને આ વેરિએન્ટ વધુ ચેપી હોવાનું જણાવ્યું હતું.

૨૪મે તેમજ ૨૯મેના રોજ સાત સિંહોના સેમ્પલ ભોપાલ સ્થિત આઈસીએઆર- રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાને મોકલ્યા હતા. સંસ્થાએ ૩ જૂનના જણાવ્યું કે કેટલાક સિંહોના સેમ્પલની તપાસ કરતા સંક્રમણ હોવાનું જણાયું છે. ત્યારબાદ આ સિંહોની સારવાર હાથ ધરાઈ હતી. સિંહો જે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા તેનું સંસ્થા દ્વારા જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યં  હતું. જેના પરિણામમાં જણાયું કે સિંહો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા હતા.

ચાર નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું. સંસ્થાના મતે ચાર સિંહો પૈંગોલિન લિનિએજ મ્.૧.૬૧૭.૨થી સંક્રમિત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આને ડેલ્ટા વાયરસનું નામ આપ્યું છે. ઉલ્લેખીય છે કે ચાલુ વર્ષે નવ વર્ષની સિંહણ નીલા અને ૧૨ વર્ષના સિંહ પદ્મનાથનનું કોરોનાને લીધે મોત થયું હતું.  

 

(12:00 am IST)