Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ચેન્નઇમાં ભયંકર જળસંકટ :પખવાડિયાથી હજારો રેસ્ટોરન્ટો બંધ :હજારો લોકો બેકાર:પાણીના ટેન્કરોના ભાવ આસમાને

રેસ્ટોરન્ટોમાં બેસીને જમવાની બદલે પાર્સલ લઈ જનારાઓને મોટુ ડિસ્કાઉન્ટ :આઇટી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આપ્યા આદેશ

ચેન્નઇ: તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં પાણીની ભયંકર તંગી છે ચેન્નાઈ ભયંકર જળસંકટમાં ફસાયું છે પાણીની ભંયકર તંગીમાંથી પસાર થતા ચેન્નાઈમાં છેલ્લા 15 દિવસથી શહેરમાં 50,000થી વધુ રેસ્ટોરન્ટો પાણીની તંગીને કારણે બંધ થઇ ગઈ છે .

   ચેન્નાઈમાં ઘણી જાણીતી રેસ્ટોરન્ટોએ કામના કલાકો ઘટાડી દીધા છે. રેસ્ટોરન્ટોમાં બેસીને જમવાની જગ્યાએ ઘરે પાર્સલ લઈ જનારાઓને મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.
ચેન્નાઈ હોટલ એસોસિએશનના કહેવા મુજબ પાણીની તંગીના કારણે શહેરમાં લગભગ 50000 હોટલો અને રેસ્ટોરન્ટો પંદર દિવસથી બંધ છે અને હજારો લોકો હાલમાં બેરોજગાર છે
  ચેન્નાઈના આઈટી કોરિડોર તરીકે ઓળખાતા મહાબલીપુરમ રોડ પરની 600 કરતા વધારે આઈટી કંપનીઓમાંથી મોટાભાગની કંપનીઓએ પાણીના અભાવે પોતાના કર્મચારીઓને તાજેતરમાં ઘરેથી કામ કરવાના આદેશ આપી દીધા છે.

   ચેન્નાઈમાં પાણી લગભગ ખતમ થઈ ચુક્યુ છે. 90 લાખની વસતી ધરાવતા મહાનગરમાં નળોમાંથી પાણીનુ ટીપુ પણ નથી બહાર આવી રહ્યુ. 12000 લીટર પાણીની ટેન્કરનો 5000 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે.

  સ્થિતિ સર્જાવાનુ કારણ છે કે, અન્ય શહેરોની જેમ ચેન્નાઈમાં પણ પાણીના જળસ્ત્રોતને આડેધડ વિકાસની દોડમાં ખતમ કરી દેવાયા છે. ચેન્નાઈમાં 2015માં ભયંકર પુર આવ્યુ હતુ. પછી એક રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ કે, ચેન્નાઈના 650 જેટલા જળાશયો પૂરાણ કરીને મેદાનમાં ફેરવી નંખાયા છે.
  
બીજી તરફ ચેન્નાઈમાંથી પસાર થતી બે નદીઓ અડયાર અને કૂવમને પણ લોકોએ ગટર ગંગામાં ફેરવી નાંખી છે. બંને નદીઓના તટ પર ઝુપડપટ્ટીઓ ઉભી થઈ ચુકી છે. જેમાં રહેનારા 30 લાખ લોકો જે પણ પાણી વાપરે છે તે ગંદુ થયા બાદ ગટરમાં જવાની જગ્યાએ સીધુ નદીઓમાં જાય છે.

(12:22 am IST)