Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

હિમાચલ : ૫૦ યાત્રી સાથે બસ ખીણમાં પડી, ૨૫થી વધારે મોત

ઘાયલ થયેલા તમામ યાત્રીઓની હાલત ગંભીર હોવાથી મૃતાંક વધશે :હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભયાનક અકસ્માત : મૃત્યુ પામેલાઓમાં મહિલાઓ અને બાળકો સામેલ : કાબુ ગુમાવતા બસ ઉંડી ખીણમાં ખાબકી

કુલ્લુ, તા.૨૦  : હિમાચલ પ્રદેશમાં કુલ્લુ જિલ્લામાં યાત્રીઓથી ભરેલી ભરચક બસ ઉંડી ખીણમાં ખાબકી જતાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત થઇ ગયા છે અને ૩૫થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે જેથી મોતનો આંકડો હજુ પણ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આજે કુલ્લુ જિલ્લામાં ઉંડી ખીણમાં આ બસ ખાબકી ગઈ હતી. ૨૫ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બનાવ અંગે માહિતી મળ્યા બાદ વહીવટીતંત્રમાં પણ ખળભળાટ મચી ગયો હતો. તરત જ ઘટના સ્થળે સંબંધિત વિભાગોના કાફલા પહોંચી ગયા હતા. કુલ્લુના એસપી શાલિની અગ્નિહોત્રીએ માહિતી આપતા કહ્યું છે કે, ૨૫ મૃતદેહ મળી આવ્યા છે. બીજા ૨૫ લોકો ઘાયલ થયેલા છે. યાત્રીઓને ખીણમાંથી બહાર કાઢવાના પ્રયાસ મોડા સુધી ચાલ્યા હતા. મળેલી માહિતી મુજબ આ બસ બંજરથી ગડાગુશૈણી તરફ જઇ રહી હતી ત્યારે આ બસ ઉંડી ખીણમાં ખાબકી ગઈ હતી. બસ ખીણમાં ખાબકી ગયા બાદ બસના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ઘટનાસ્થળે વહીવટીતંત્રના અધિકારીઓ સાથે પોલીસ ટુકડી પણ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંજર સબ ડિવિઝનમાં સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. સ્થાનિક લોકો પણ બચાવ અને રાહત કામગીરી માટે બહાર આવ્યા હતા અને મદદ લેવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોને બસમાંથી મુશ્કેલથી બહાર કાઢવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ અને લોકલ વાહનોની મદદથી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. કુલ્લુના પોલીસ અધિકારીના કહેવા મુજબ બચાવી લેવામાં આવેલામાં ૧૨ મહિલાઓ, ૧૦ બાળકો અને ૧૦ પુરુષો રહેલા છે. જ્યારે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. શાલિનીએ કહ્યું હતું કે, ૨૫ યાત્રીઓના મોત થઇ ચુક્યા છે. હાલમાં તેમની પાસે જે માહિતી આવી છે તે પૈકી ઘાયલ થયેલાઓમાં પણ તમામની હાલત ગંભીર છે જેથી મોતનો આંકડો વધી શકે છે. એચપી ૬૬-૭૦૬૫ નંબરની રજિસ્ટ્રેશનવાળી આ બસ કુલ્લુ રુટ ઉપર ચાલે છે. એ વખતે યાત્રીઓથી ભરચક હતી. બંજર બસ સ્ટેન્ડથી રવાના થયા બાદ આ બસ બે કિલોમીટરના અંતર સુધી જ ચાલી હતી ત્યારે જ ઉંડી ખીણમાં આ બસ ખાબકી ગઈ હતી. વળાંક લેવાના પ્રયાસમાં બસના ડ્રાઇવરે કાબુ ગુમાવતા આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.

મૃત્યુ પામેલા લોકો પૈકી મોટાભાગના સ્થાનિક હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે કેટલાક લોકો બહારના પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત રહેલા તમામ અધિકારીઓ કામમાં લાગેલા રહ્યા હતા. ૧૫થી વધુ મૃતદેહને તેમના સંબંધિત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા. ૫૦ યાત્રીઓથી ભરેલી બસ રવાના થઇ ત્યારે કોઇને પણ આ બનાવને લઇને માહિતી ન હતી. કુલ્લુમાં દુર્ઘટના સર્જાયા બાદથી હાહાકાર મચી ગયો હતો. ખીણમાં ૫૦ યાત્રીઓ સાથે બસ ખાબકી ગઇ છે તેવી બાતમી મળ્યા બાદ સગા સંબંધીઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી અને બનાવ અંગે માહિતી મેળવવાના પ્રયાસોમાં તમામ લાગી ગયા હતા.

(8:38 pm IST)