Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

રાષ્ટ્રપતિના ભાષણ વેળા જ રાહુલ ગાંધી ફોનમાં તલ્લીન રહ્યા

ભાજપના સાંસદો દ્વારા રાહુલ ગાંધીની ફરીવાર ટિકા : રાહુલ ગાંધીના વર્તનને સાંસદોએ ફરીવખત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું

નવી દિલ્હી, તા. ૨૦ : સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન મોબાઇલ નિહાળવાનો ફોટો વાયરલ થયા બાદ કોંગ્રેેસ પ્રમુખ રાહુલ ગાંધી ફરી એકવાર ભાજપના ટાર્ગેટ ઉપર આવી ગયા છે. કેન્દ્રીયમંત્રી ગીરીરાજસિંહ અને બાબુલ સુપ્રિયો સહિત ભાજપના અનેક સાંસદોએ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા અને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આજે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. સંસદ ભવનના સંકુલમાં ગિરીરાજસિંહે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જ્યારે આગામી પાંચ વર્ષ માટે દેશના વિકાસ માટે રોડમેપ રજૂ કરી રહ્યા હતા ત્યારે કેટલાક સાંસદ જે પોતાને ગંભીર નેતા તરીકે ગણે છે તે ગંભીર નથી તેમ દેખાઈ રહ્યું હતું. આનાથી મોટુ દુર્ભાગ્ય હોઈ શકે નહીં. ગિરીરાજે કહ્યું હતું કે, કોણ કેટલા ગંભીર છે તે દેશના લોકો જોઈ રહ્યા છે. ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખના વલણથી સાબિત થઇ ગયું છે કે, તેમની ઇચ્છાશક્તિ ભાષણમાં દેખાઈ રહી ન હતી. રાહુલ ગાંધી હજુ પણ દેશહિતના વિષય ઉપર ગંભીર દેખાઈ રહ્યા નથી. રાહુલ ગાંધીના વિડિયો ભાજપ કિસાન મોરચાએ પોતાના ટ્વિટ એકાઉન્ટ શેયર કરીને આનો ઉલ્લેખ કર્યો છે. કેન્દ્રીયમંત્રી આરકે સિંહે રાહુલ ગાંધીના વલણને સંસદીય મર્યાદાઓની વિરુદ્ધમાં ગણે છે. આરકે સિંહે કહ્યું છે કે, તેઓ આ સંદર્ભમાં કઠોર શબ્દોનો ઉપયોગ કરવા ઇચ્છુક નથી પરંતુ એટલી બાબત જરૂર કહેવા માંગે છે કે, કિરણ ખેરે કહ્યું છે કે, રાહુલ ગાંધી ગંભીર હજુ પણ દેખાઈ રહ્યા નથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં કેન્દ્ર સરકારના એજન્ડાને રજૂ કરીને તમામ પક્ષો પાસેથી ગંભીરતા લેવાની વાત કરવામાં આવે છે. રાહુલ ગાંધીની નજર રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન મોબાઇલ ફોન ઉપર કેન્દ્રિત થઇ ગઇ હતી. મોબાઇલ ફોન ઉપર રાહુલ ગાંધી વ્યસ્ત હોવાના ફોટાઓ વાયરલ થયા બાદ ભારે હોબાળો થઇ ગયો છે. ગૃહની અંદર અને બાહર આજે આની ચર્ચા રહી હતી.

(7:45 pm IST)