Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મોદી સરકારની કામગીરી સામે સવાલો ઉભા કરીને સંજીવ ભટ્ટ હંમેશા વિવાદમાં રહ્યાઃ નાર્કોટિક્સ કેસમાં ૧૦ મહિનાથી જેલમાં

અમદાવાદ :પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે 30 વર્ષ જૂના જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે સમાચારથી સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. ત્યારે પૂર્વ આઈપીએસનો વિવાદો સાથેનો નાતો બહુ જૂનો રહ્યો છે. તેમજ તેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો વિવાદ પણ કોઈનાથી છુપાયેલો નથી. મોદી સરકારની કામગીરી સામે સવાલો ઉભા કરીને તેઓ હંમેશા વિવાદમાં રહ્યા છે. તેમની સામેના નાર્કોટિક્સ કેસમાં તેઓ 10 મહિનાથી જેલમાં છે.

રમખાણ કેસથી મોદી સામે પડ્યા હતા

આઈઆઈટી મુંબઈથી તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. વર્ષ 1998માં તેઓ પોલીસ સર્વિસમાં આવ્યા હતા, અને તેમના ફાળે ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી. રાજ્યની જાસૂસી એજન્સીમાં નાયબ કમિશનરના પોસ્ટથી લઈને તેમને ગુજરાતમાં અનેક મહત્ત્વના હોદ્દા ફાળવાયા હતા. પણ, 2002 બાદ પરિસ્થિતિ બદલાઈ હતી. 2002ના વર્ષમાં ગુજરાતમાં રમખાણો થયા હતા. સૌથી પહેલા ચર્ચામાં તેઓ ત્યારે આવ્યા, જ્યારે 2011માં તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે 2001માં તે સમયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું. તેમણે નરેન્દ્ર મોદીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, 2002ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને ભરોસો નથી. તેમણે નરેન્દ્ર મોદી પર રમખાણોમાં તેમના કથિત રોલને લઈને આક્ષેપો કર્યા હતા. તેમણે તોફાનોમાં મોદીની ભૂમિકાની તપાસ કરવાની માંગને લઈને નાણાવટી આયોગમાં અરજી પણ દાખલ કરી હતી. જોકે, આક્ષેપોને નરેન્દ્ર મોદી તરફથી નકારવામાં આવ્યા હતા. સમગ્ર મામલા બાદ વર્ષ 2011માં તેમને નોકરીમાંથી પાણીચુ પકડાવાયું હતું. બાદ વિવાદો વધતા જતા રહ્યા, જેનો અંત આવ્યો. અંતે ઑગસ્ટ, 2015માં તેમને નોકરીમાંથી બરતરફ કરી દેવાયા હતા.

નરેન્દ્ર મોદી સામે પત્નીને ચૂંટણી લડાવી હતી

સંજીવ ભટ્ટ ગુજરાત સરકાર પર અનેક આરોપ લગાવતા રહ્યા અને તેમાં તેમને કોંગ્રેસનો સાથ પણ મળતો રહ્યો. સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ 2012માં મણિનગરથી તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની વિરુદ્ધ કોંગ્રેસની ટિકીટ પર ઈલેક્શન લડ્યા હતા, અને તેમાં હાર્યા પણ હતા. આમ, રાજકીય રીતે પણ તેમનો પરિવાર ચર્ચામાં રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 1998ના પાલનપુરના નાર્કોટિક્સ કેસમાં સીઆઈડી ક્રાઈમે સપ્ટેમ્બર, 2018ના રોજ તેમની સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. તેઓ છેલ્લા 10 મહિનાથી જેલમાં છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી હતી. ત્યારે હવે જામનગર કોર્ટના ચુકાદા બાદ સંજીવ ભટ્ટનું જેલમાંથી બહાર આવવું મુશ્કેલ છે.

(5:48 pm IST)