Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

'જલદી ન ચેત્યા તો અડધી દુનિયા હશે જીવલેણ લૂની ઝપેટમાં'

ગ્લોબલ વોર્મિગ પર કાબૂ ન મેળવાયો તો ગરમી આ જ રીતે વધતી રહેશે અને ભારતને તો છોડી જ દો, અમેરિકાના શહેરોમાં પણ હજારો મોત થઈ શકે છે

નવી દિલ્હી, તા.૨૦: પ્રચંડ ગરમી અને લૂનો પ્રકોપ ભારતની સાથે-સાથે સમગ્ર દુનિયામાં વધી રહ્યો છે. ભારતના બિહારમાં જયાં લૂ લાગવાથી થોડાક જ દિવસોમાં ૧૫૦થી વધુ બાળકોના મોત થઈ ચૂકયા છે અને બાકીના દેશોની સ્થિતિ પણ વધુ સારી નથી. આની સાથે જોડાયેલા કેટલાક રિપોર્ટ્સ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ વોર્મિગ પર કાબૂ ન મેળવાયો તો ગરમી આ જ રીતે વધતી રહેશે અને ભારતને તો છોડી જ દો, અમેરિકાના શહેરોમાં પણ હજારો મોત થઈ શકે છે.

આની સાથે જોડાયેલો એક રિપોર્ટ ઓસ્ટ્રેલિયાના વેધર ડિપાર્ટમેન્ટે તૈયાર કર્યો છે. તેમનું કહેવું છે કે, કાર્બન ગેસનું ઉત્સર્જન ઓછું કરવામાં ન આવ્યું તો આવી જ ગરમી પડતી રહેશે અને દર વર્ષે સ્થિતિ વધુ બગડતી રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે. આ વધતા તાપમાનની અસર દુનિયાના ૫૮ ટકા ભાગ પર પડશે અને સતત ગરમીના જૂના રેકોર્ડ્ઝ તૂટતા જશે. રિપોર્ટ અનુસાર, આકાશમાંથી વરસતી આગથી સૌથી વધુ નુકસાન અથવા અસર પછાત દેશો પર થશે. વૈજ્ઞાનિકોનું માનીએ તો આવું આ સદીના અંત સુધીમાં શરૂ થઈ જશે.

જણાવી દઈએ કે, આના પહેલા પણ એક રિપોર્ટ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે જો ગ્લોબલ વોર્મિગ અથવા કલાઈમેટ ચેન્જ પર એકશન નહીં લેવામાં આવે તો અમેરિકાના શહેરોમાં હજારો લોકોના મોત થઈ શકે છે. આ રિપોર્ટ યુનાઈટેડ કિંગડમની બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સંશોધકોએ આપ્યો હતો.

બંને રિપોર્ટ્સમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પર કાબૂ મેળવવાની વાત કહેવામાં આવી છે. જણાવી દઈએ કે, ગ્રીન હાઉસ ગેસોમાં કાર્બન ડાયોકસાઈડ, મીથન, નાઈટ્રસ ઓકસાઈડ, સલ્ફર હેકસાફ્લોરાઈડ, નાઈટ્રોજન ટ્રાઈફ્લોરાઈડ વગેરે ગેસ આવે છે. તેનું ઉત્સર્જન પૃથ્વી માટે ખતરનાક ગણાવવામાં આવે છે. રિપોર્ટ્સમાં પેરિસ સમિટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને ડિસેમ્બર ૨૦૧૬માં અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. આની સાથે જોડાયેલા દેશોએ તે પગલાંઓ પર અમલ કરવો પડશે, જેનાથી વૈશ્વિક તાપમાન સરેરાશ વધારો ૨ ડિગ્રીથી ન થાય. આમાં એક જોગવાઈ છે કે, ધનિક દેશો ફોસિલ ફ્યૂઅલનો વધુ ઉપયોગ કરશે અને તેમણે ગરીબ અને વિકાસશીલ દેશોને મદદ કરવી પડશે.

(3:38 pm IST)