Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ટ્રક અને બસ માટે દર વર્ષે લઇ શકાશે થર્ડ પાર્ટી વિમો

કાર માટે ત્રણ વર્ષ અને દ્વિચક્રી વાહનો માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વિમો ફરજીયાત

નવી દિલ્હી તા. ર૦: કેન્દ્ર સરકારે સ્પષ્ટતા જાહેર કરી છે કે થર્ડ પાર્ટી વિમાના નવા નિયમ ધંધાદારી વાહનો પર લાગુ નહીં થાય. ટ્રક, બસ, ટેક્ષી માટે દર વરસે થર્ડ પાર્ટી વિમો કરાવવાની જ જોગવાઇ છે.

નવા નિયમમાં કાર માટે ત્રણ અને બાળક માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વિમો કરાવવો ફરજીયાત છે. સડક પરિવહન અને હાઇવે મંત્રાલયે ૧૮ જૂને રાજયોના મુખ્ય સચિવો અને ટ્રાફિક અધિકારીઓને ધંધાદારી વાહનો પર નવા નિયમો ન લાગુ કરવાનું કહ્યું છે. સમજફેરના કારણે આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલિસ થર્ડ પાર્ટી વિમાના નામ પર ધંધાદારી વાહન માલિકોના ચલણ કાપી રહ્યા છે. રાજયોમાંથી પરિવહન મંત્રાલયને મોટા પાયે ફરિયાદો મળી રહી છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે સડક પરિવહન મંત્રાલય તરફથી સમયાંતરે થર્ડ પાર્ટીના નવા નિયમો ધંધાદારી વાહનો પર લાગુ ન હોવા અંગેના પત્રો લખાતા.

મંત્રાલય તરફથી રાજયોને ર૦ જુલાઇ ર૦૧૮, ર૯ ઓગસ્ટ ર૦૧ઠ, ૧ર નવેમ્બર ર૦૧૮ અને પછી ૧૦ જાન્યુઆરી ર૦૧૯ના રોજ એડવાઇઝરી પત્રો લખવામાં આવ્યા છે. આની સાથે જ રાજયોને સુપ્રિમ કોર્ટના ર૦ જુલાઇ ર૦૧૮ના ચુકાદાને પણ મોકલવામાં આવ્યા છે. તેમ છતાં ધંધાદારી વાહન માલિકોનું શોષણ રોકવામાં નથી આવતું મંત્રાલયે ૧૮ જૂન ર૦૧૯ના રોજ રાજયોને લખેલ પત્રમાં ફરીથી સુપ્રીમ કોર્ટના ર૬ એપ્રિલ ર૦૧૯ના હાલના ચુકાદાને સાથે જોડીને ધંધાદારી વાહનોને થર્ડ પાર્ટીના નવા નિયમો લાગુ ન કરવાનું કહ્યું છે. એમાં સ્પષ્ટતા કરી છે કે સુપ્રિમ કોર્ટનો થર્ડ પાર્ટી અંગેનો ચુકાદો ફકત નવી કાર, ટેક્ષી અને બે પૈડાના વાહનો પર જ લાગુ થશે.

વિમા કંપનીઓ દર વર્ષે પ્રીમીયમના દરો નહીં વધારી શકે

સડક પરિવહન નિષ્ણાત એસ. પી. સિંહએ કહ્યું કે નવા બે પૈડાના અથવા ચાર પૈડાના વાહન ખરીદ્યા પછી એક હપ્તાનો વીમો ખરીદવાથી ગ્રાહકોને એ ફાયદો થશે કે વિમા કંપનીઓ દર વર્ષે પ્રીમીયમ નહીં વધારી શકે. એક અંદાજ પ્રમાણે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦ ટકા વાહન માલિકો વિમો નથી કરાવતા વિમા વગરના વાહનો પકડાય ત્યારે ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. લોકો દંડ ભરીને છુટી જાય છે.

(3:37 pm IST)