Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

હિમાલયના ગ્લેશીયરો બમણી ગતિએ પીગળી રહ્યા છે

ચિંતાની બાબતઃ જળવાયુ પરિવર્તનની અસર : હિમાલયના ૬પ૦ ગ્લેશીયરોમાં છે ૬૦ કરોડ ટન બરફ

નવી દિલ્હી તા. ર૦: વધી રહેલા ઉષ્ણતામાનના કારણે હિમાલયના સાડા છસો ગ્લેશિયરો ઉપર ખતરાના વાદળો મંડરાઇ રહ્યા છે. એક અભ્યાસમાં દાવો કરાયો છે કે ગ્લશિયરોના ઓગળવાની ઝડપ બમણી થઇ ગઇ છે.

સાયન્સ એડવાન્સીસ જર્નલમાં પ્રકાર્શિત રીસર્ચ અનુસાર ૧૯૭પ થી ર૦૦૦ વચ્ચે આ ગ્લેશિયરો દર વર્ષે ૧૦ ઇંચ ઘટના હતા પણ ર૦૦૦ થી ર૦૧૬ વચ્ચે પ્રતિ વર્ષ ર૦ ઇંચ સુધી ઘટવા લાગ્યા હતા. તેના લીધે દર વર્ષે લગભગ આઠ અબજ ટન પાણીની ઘટ પડી રહી છે કોલંબિયા યુનિવર્સિટીના અર્થ ઇન્સ્ટીટયુટના રીસર્ચરોએ ઉપગ્રહ દ્વારા લેવાયેલ ૪૦ વર્ષના ફોટાઓને આધાર બનાવીને આ રીસર્ચ કર્યો છે. આ ફોટાઓ અમેરિકી જાસુસી ઉપગ્રહ દ્વારા લેવાયા હતા. આ ફોટાઓને ૩ ડી મોડયુલમાં ફેરવીને સ્ટડી કરાયો હતો.

આ ફોટાઓ ભારત, ચીન, નેપાળ અને ભૂટાનમાં આવેલ ૬પ૦ ગ્લેશિયરોની છે. જે પશ્ચિમથી પૂર્વ સુધી લગભગ બે હજાર કિલો મીટરમાં ફેલાયેલા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે. વાતાવરણમાં થઇ રહેલા ફેરફારો ગ્લેશિયરોને ખાઇ રહ્યા છે.

હિમાલયના ૬પ૦ ગ્લેશિયરોમાં લગભગ ૬૦ કરોડ ટન બરફ જામેલો છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પછી આ ત્રીજી એવી જગ્યા છે જયાં આટલો બરફ છે. એટલે જ હિમાલયના ગ્લેશિયર વાળા વિસ્તારને ત્રીજો ધ્રુવ પણ કહેવાય છે.

ગ્લેશિયરો ઓગળવાથી દર વર્ષે આઠ અબજ ટન પાણી બરબાદ થઇ રહ્યું છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં બરફ ઓગળવાથી સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. તેના લીધે ઘણા બધા નાના દ્વિપો પર ખતરો વધશે.

રિસર્ચ અનુસાર, ૧૯૭પ-ર૦૦૦ અને ર૦૦૦-ર૦૧૬ વચ્ચે તાપમાનમાં ૧ ડીગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયા જેના કારણે ગ્લેશિયરો ઓગળવાની ઝડપ વધી ગઇ. જોકે બધા ગ્લેશિયરો ઓગળવાની ઝડપ એક સરખી નથી. ઓછી ઉંચાઇ વાળા ગ્લેશિયરો ઝડપથી ઓગળી રહ્યા છે. અમુક ગ્લેશિયરો તો વર્ષે પાંચ મીટર જેટલા ઘટી રહ્યા છે. (૭.ર૯)

જોખમ

 ગ્લેશિયર ઓગળવાથી ઉંચા પહાડોમાં કૃત્રિમ તળાવોનું નિર્માણ થાય છે. જે તુટવાથી પુરની શકયતાઓ વધી જાય છે અને તેના કારણે ઢોળાવમાં રહેતી વસ્તી માટે ખતરો ઉભો થાય છે.

 ગ્લેશિયરમાંથી નીકળતી નદીઓ પર ભારત, ચીન, નેપાળ, ભુટાનની ૮૦ કરોડની વસ્તી નિર્ભર છે. આ નદીઓથી જ સિંચાઇ, પીવાનું પાણી અને વીજ ઉત્પાદન મળે છે. જે ગ્લેશિયરો જ ન રહે તો આ તમામ સંસાધનો ખતમ થઇ જશે.

(3:36 pm IST)