Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ભારતીય બાળકીના મોત અંગે અમેરીકામાં તપાસની માંગણીઃ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરતી વખતે થયું હતું મોત

વોશીંગ્ટનઃ અમેરીકામાં એક દક્ષિણ એશીયાઇ સંગઠને મેકિસકો સરહદ નજીક ભારતીય બાળકીના મોતના બનાવની તપાસ કરાવવાની માંગણી કરી છે. સાઉથ એશીયન અમેરીકન લીવીંગ ટુગેધર નામની આ સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે સરહદનું સૈન્યીકરણ અને શરણાર્થીઓને સરહદ પાર કરતા રોકવાના કારણે ત્યાં પરિસ્થિતિ અમાનવીય થઇ ગઇ છે જેના કારણે આવી હ્ય્દયવિદારક ઘટનાઓ સામે આવે છે.

ગયા અઠવાડીયે એરીજોના પ્રાંતના બ્યુકવિલે શહેરથી ર૭ કિલોમીટર દુર સાત વર્ષની બાળકી ગુરપ્રીત કૌરનું શબ મળ્યું હતું. તે પોતાની માં અને અન્ય બે લોકો સાથે પગપાળા મુસાફરી કરી રહી હતી. માનવ તસ્કરોએ તેમને સરહદ પર છોડી દીધા હતા અને ત્યાંથી પગપાળા અમેરીકામાં ઘુસી જવાનું કહયું હતું.

રસ્તામાં ગુરપ્રીતની માં એ તેને સાથે ચાલી રહેલી બીજી મહીલા પાસે છોડીને પોતે તેના માટે પાણી શોધવા ગઇ હતી. આ દરમ્યાન તરફથી તરફડીને ગુરપ્રિતે જીવ ગુમાવ્યો હતો. દક્ષિણ એશીયાઇ સંગઠનની ડાયરેકટર લક્ષ્મી શ્રીધરને કહયું કે ગુરપ્રીતનું મોત એક અત્યંત દુઃખદ ઘટના છે. જયાં સુધી શરણાર્થીઓ માટે કોઇ નવી સીસ્ટમ નહી બને ત્યાં સુધી આપણે આ પ્રકારના ઘણા મોત જોવા પડશે.

ગુરપ્રીતના મૃત્યુની તપાસ અને તેની માંનો પતો મેળવવા માટે સંગઠને સીમા સુરક્ષા અધિકારીઓને પત્ર લખ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેકિસકોથી ગેરકાયદેસર રીતે એમેરીકામાં ઘુસનાર ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે ગેરકાયદેસર સરહદ પાર કરનાર નવ હજાર ભારતીયોની ધરપકડ કરાઇ હતી.

(3:34 pm IST)