Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

હવે સીબીઆઇના ભ્રષ્ટ અધિકારીઓનો વારો

દોષિત અધિકારીઓ સામેનું સફાઇ અભિયાન ચાલુ રહેશે

નવી દિલ્હી તા. ર૦: મોદી સરકાર સરકારી વિભાગમાં સફાઇ અભિયાન હેઠળ દાગી અને ભ્રષ્ટ અધિકારીઓ વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરી રહી છે. સુત્રો અનુસાર ઇન્કમટેક્ષ, કસ્ટમ અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કર્યા પછી હવે સરકાર એન્ફોર્સમેન્ટ વિભાગ અને સીબીઆઇના દાગી અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે.

ઇડી અને સીબીઆઇના લગભગ ૮ થી ૧૦ એવા અધિકારીઓને ફરજીયાત રીટાયરમેન્ટ આપી શકાય છે જેમની સામે ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા છે. અથવા તપાસ ચાલી રહી છે. સુત્રો અનુસાર સરકારે બધા મંત્રાલયોને કહ્યું છે કે તપાસ એજન્સીઓમાં કામ કરતા એવા અધિકારીઓ અંગે તાત્કાલીક અંતિમ નિર્ણયડ લે, જેઓ ભ્રષ્ટાચાર અથોવા અન્ય કેસમાં સસ્પેન્ડ હોય અથવા જેમની સામે ખાતાકીય કાર્યવાહી ચાલી રહી હોય અથવા કોર્ટમાં કોઇ કેસ ચાલતો હોય. જેનો બહુ સ્પષ્ટ અર્થ છે કે સરકાર આવા અધિકારીઓને રાખવા નથી માંગતી.

સુત્રો અનુસાર, અત્યાર સુધી ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા આવા અધિકારીઓને ફરજીયાત રીટાયરમેન્ટ આપી દેવાયું છે. જેમની ઉંમર પ૦ અથવા તેનાથી વધારે વર્ષની હોય હજી પણ આ કાર્યવાહી ચાલુ રખાશે. જોકે જે અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે, તેવા કેસોમાં મંત્રાલયને છુટ આપી દેવાઇ છે કે તે ઇચ્છે તો જે તે અધિકારી પર કડક કાર્યવાહી કરી શકે છે અને ફરજીયાત રીટાયર કરી શકે છે.

સુત્રો અનુસાર, સરકાર ઇન્કમટેક્ષ, કસ્ટમ એન્ડ એકસાઇઝ, ઇડી અને સીબીઆઇ જેવી એજન્સીઓને ભ્રષ્ટાચાર મુકત કરવા માગે છે. આનાથી તેને બે ફાયદાઓ થશે. એક તો લોકો અને અધિકારીઓને એવો સંદેશ મળશે કે સરકાર ભ્રષ્ટાચારને સાંખી નહીં લે બીજો ફાયદો એ થશે કે ટેક્ષ કલેકશન અને કાળા નાણા વિરૂધ્ધના સર્ચ ઓપરેશનો વધશે. જેનાથી સરકારની આવકમાં વધારો થશે.

(3:33 pm IST)