Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

૩૦ વર્ષ જૂના જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં

બરતરફ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદ

પ્રવિણસિંહ ઝાલાને પણ આજીવન કેદઃ જામનગર સેશન્સ કોર્ટનો ચૂકાદોઃ ગોધરાકાંડ બાદ સરકાર સામે બાંયો ચડાવનાર આઈપીએસ સંજીવ ભટ્ટ હાલ નાર્કોટીકસના બોગસ કેસના ગુન્હામાં પાલનપુરની જેલમાં બંધ છેઃ જામનગર સેસન્સ કોર્ટમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયોઃ ત્રણ દાયકા જૂના ચકચારી કેસનો જામનગર ડીસ્ટ્રીકટ જજ ડી.એમ. વ્યાસે આપેલ ચુકાદોઃ રાજકોટના એડવોકેટ તુષારભાઈ ગોકાણીની ધારદાર દલીલોઃ બાકીના આરોપીઓને ૩૨૩ મુજબ સજા કાયમઃ ૭ સાહેદોની જુબાની લેવાઈઃ મોટાભાગના સાહેદોએ ફરીયાદ પક્ષને સમર્થન આપ્યુઃ નાના-નાના મુદ્દે હાઈકોર્ટ-સુપ્રિમ કોર્ટમાં ઢગલાબંધ અરજીઓ થયેલઃ ૧૯૯૦માં પોલીસ મારથી પ્રભુદાસ વૈશ્નાણીનું મૃત્યુ થતા ગુનો નોંધાયો હતો

જામનગરઃ જામજોધપુરના કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં આઈપીએસ સંજીવ ભટ્ટ અને પ્રવીણસિંહને તકસીરવાન ઠેરવીને સેસન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કાયમ રાખવામાં આવી છે. આજે જામનગર સેસન્સ કોર્ટ ખાતે આ ચુકાદા સંદર્ભે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રથમ અને બીજી તસ્વીરમાં સંજીવ ભટ્ટને કોર્ટમાં લઈ જવાતા નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં સરકાર તરફથી સ્પેશ્યલ પી.પી. તરીકે રોકાયેલા રાજકોટના એડવોકેટ તુષારભાઈ ગોકાણી તથા નીચેની પ્રથમ અને બીજી તસ્વીરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા ત્રીજી તસ્વીરમાં અગાઉ આ કેસમાં સ્પેશ્યલ પી.પી. તરીકે રોકાયેલા સ્વ. મોહનભાઈ સાયાણીનો ફાઈલ ફોટો નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર-રાજકોટ, તા. ૨૦ :. આશરે ત્રણ દાયકાથી ચાલતા જામજોધપુરના ચકચારી કસ્ટોડીયલ ડેથના કેસમાં સંડોવાયેલા ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટ સહિતના સાત પોલીસ અધિકારીઓ સામે કેસનો આજે જામનગર સેસન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જામનગર ડીસ્ટ્રીકટ જજ શ્રી ડી.એમ. વ્યાસે સંજીવ ભટ્ટ, બે પીએસઆઈ અને ચાર કોન્સ્ટેબલને તકસીરવાન ઠેરવવામાં આવ્યા છે. જેમાં આઈપીએસ સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને  તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા કાયમ રાખી છે. 

આ કેસમાં તત્કાલીન પીએસઆઈ શૈલેષ પંડયાને વધુમાં વધુ બે વર્ષની સજા સાથે જામીન મંજુર કર્યા છે જ્યારે પીએસઆઈ દિપક શાહને વધુમાં વધુ બે વર્ષની સજા સાથે જામીન મંજુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ અનોપસિંહ જેઠવા, કેશુભા જાડેજાને પણ વધુમાં વધુ બે વર્ષની સજા અને જામીન મંજુર કરવામાં આવ્યા છે. આ કેસમાં ૩૦૨, ૩૨૩, ૫૦૬, ૩૪, ૧૧૪ મુજબ સજા આપવામાં આવી છે. જ્યારે ૩૨ સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. ૧૦૦૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા છે અને ૫૦૦૦ પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે.

આ કેસના આરોપીઓ તત્કાલીન પીએસઆઈ શૈલેષ પંડયા, દિપક શાહ, પ્રવીણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજાને કોર્ટે બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જો કે તેઓની જામીન માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

આજે ચુકાદા સંદર્ભે જામનગર સેસન્સ અદાલત ખાતે સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ કેસમાં કુલ ૩૭ જેટલા સાહેદોની જુબાની લેવાઈ તેમા મોટા ભાગના સાહેદોએ ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપ્યાનું જાણવા મળે છે.

આ અંગેની વિગત એવી છે કે, ઓકટોબર ૧૯૯૦ની શરૂઆતમાં જામજોધપુર ખાતે બનેલ એક ચોરીના બનાવમાં પોલીસે ચોરને બદલે ગામ લોકોને પરેશાન કરતા જામજોધપુરના સ્થાનિક આગેવાનો તથા ફરજ પરના પોલીસ અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ઉભો થયેલ હતો. આવા સમય દરમ્યાન તા. ૩૦-૧૦-૯૦ના રોજ લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા અન્વયે ભારત બંધનું એલાન આપવામાં આવેલ અને બંધના અનુસંધાને જામજોધપુર ગામમાં તોફાન થાય તેવી ભીતિ જણાતા જામનગરના પોલીસ અધિક્ષક શ્રી ટી.એસ. બિસ્ત દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જામનગરના એ.એસ.પી. શ્રી સંજીવકુમાર ભટ્ટની આગેવાનીમાં વધારાની પોલીસ ફોર્સ મોકલેલી.

એ.એસ.પી. સંજીવકુમાર ભટ્ટની આગેવાનીમાં બંદોબસ્તમાં હાજર રહેલ પોલીસ ફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓએ જામજોધપુર ગામમાં લઘુમતી કોમના લોકોની માલમિલ્કતને નુકશાન પહોંચાડવાનો ગુન્હો દર્શાવી જામજોધપુરના ૧૩૩ જેટલા વ્યકિતઓને ટાડાના ગંભીર ગુન્હામાં અટક દર્શાવેલ હતા.

ઉપરોકત ટાડાના ગુન્હામાં અટક કરાયેલ વ્યકિતઓને પોલીસ દ્વારા બેરહેમીથી માર મારી શારીરીક શ્રમ પહોંચાડતા તે પૈકી પ્રભુદાસ માધવજી વૈષ્નાણીનું તા. ૧૮-૧૧-૯૦ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ થતા સમગ્ર મામલો સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરમાં તપાસ માટે પહોંચેલ હતો.

પ્રભુદાભાઈનું મૃત્યુ થતા તેના ભાઈ અમૃતભાઈ માધવજી વૈષ્નાણીએ પોતાની ફરીયાદમાં જણાવેલ હતુ કે તા. ૩૦-૧૦-૯૦ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં જામનગર જિલ્લા ખાતે એ.એસ.પી. તરીકે ફરજ બજાવતા (૧) સંજીવ રાજેન્દ્ર ભટ્ટ (આઈ.પી.એસ.) જામનગર જિલ્લામાં પોલીસ સબ-ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા (૨) દિપકકુમાર ભગવાનદાસ શાહ (૩) શૈલેષકુમાર લાભશંકર પંડયા તથા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા (૪) પ્રવિણસિંહ બાવુભા ઝાલા (૫) પ્રવિણસિંહ જોરૂભા જેઠવા (૬) અનોપસિંહ મહોબતસિંહ જેઠવા (૭) કેશુભા દોલુભા જાડેજા ફરજ બજાવતા તે દરમિયાન તેઓએ પોતાનો સામાન્ય ગુનાહિત હેતુ પાર પાડવાના હેતુથી અરસપરસ એકબીજાને મદદગારી કરી ગેરકાયદેસરની મંડળી રચી તેમા સભ્ય તરીકે સામેલ થઈ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં અટક કરી લાવેલા પ્રભુદાસ માધવજી વૈષ્નાણી તથા રમેશચંદ્ર માધવજી વૈષ્નાણીને રહે. બન્ને જામજોધપુર પોલીક કસ્ટડી દરમિયાન લાકડી અને બંદુકના કુંદા અને ઢીકાપાટુનો માર મારી, ભય બતાવી, ફરજીયાત ઉઠબેસ કરાવી, કોણીએ પર ચલાવી, પીવાનુ પાણી નહી આપી અને તેઓને તાત્કાલીક સારવારમાં પણ નહીં મોકલી તેમજ ધાકધમકી આપી કસ્ટોડીયલ ટોર્ચર કરેલ અને આવા કૃત્યથી તેઓની કીડનીને ગંભીર નુકશાન થાય તે રીતે ઈજાઓ પોલીસ કસ્ટડી દરમ્યાન પહોંચાડેલ અને કોઈને નહિ કહેવાની કે ફરીયાદ નહી કરવાની ધાક-ધમકી આપેલ. જે ટોર્ચરને કારણે કૃત્યોથી પ્રભુદાસ માધવજી વૈષ્નાણીનુ તા. ૧૮-૧૧-૯૦ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ અને રમેશચંદ્ર માધવજી વૈષ્નાણીને ઉપરોકત ટોર્ચરના કારણે કીડનીમાં ગંભીર ઈજાઓ થતા તહોમતદારો સામે ભારતીય દંડ સહિતના કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૬ (૧) વિગેરે મુજબની એફ.આઈ.આર. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.

પોલીસ અમલદારો સામે ગુન્હો નોંધાતા સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર દ્વારા તપાસનો દોર ધમધમાટ ચલાવવામાં આવેલ અને તપાસ દરમ્યાન ઈજા પામનાર વ્યકિતઓના નિવેદનો તેમજ ગુજરનારે જે તે સમયે ગોંધીયા હોસ્પીટલમાં સારવાર લીધેલ હોય તે સારવાર સંબંધેના તમામ દસ્તાવેજો તથા તબીબી અભિપ્રાયો અને પોસ્ટમોર્ટમના રીપોર્ટો મેળવી ગુજરનારનું મૃત્યુ પોલીસ અમલદારો દ્વારા ગુજારવામાં આવેલ અમાનુષી ત્રાસ અને હાનીને કારણે થયેલ હોવાનું જણાય આવેલ હતું.

જે તે સમયે પોલીસ અમલદારો આરોપી તરીકે રહેલા હોય તપાસ કરનાર પોલીસ અધિકારીઓએ ગુન્હો બનતો હોવાથી તમામ આરોપી અમલદારો સામે પ્રોસીકયુશન ચાલુ કરવા માટે સરકારની મંજુરી (સેકશન) માંગતી દરખાસ્ત કરેલ હતી. જે દરખાસ્ત જે તે સમયની સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ ન હતી અને તેથી તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો બનતો હોવા છતા સેકશન ન મળેલ હોવાના ટેકનીકલ કારણોસર પોલીસ દ્વારા જામજોધપુરની અદાલતમાં સમરી ફાઈલ કરવામાં આવેલ હતી. જે સમરી સામે ફરીયાદી અમૃતલાલ વૈષ્નાણીએ વાંધો લેતા અદાલત દ્વારા તેમનો વાંધો ગ્રાહ્ય રાખી પોલીસ અધિકારીના માર મારવાનું કૃત્ય તે ફરજના ભાગરૂપેનું કૃત્ય ન હોવાનું ઠરાવી સમરી ના મંજુર કરી આરોપીઓ વિરૂદ્ધ કસ્ટોડીયલ ડેથનો કેસ ચલાવવા હુકમ કરેલ હતો અને તે હુકમ અન્વયે કેસ કેસન્સ અદાલતમાં ટ્રાયલ અર્થે મોકલી આપવામાં આવેલ હતો.

આ કેસ સેશન્સ અદાલતમાં કમીટ થઈને આવતા આરોપીઓ અનેકવિધ કાયદાકીય અડચણો ઉભી કરવામાં આવેલ અને અસંખ્ય વખત કેસ હાઈકોર્ટ તથા સર્વોચ્ચ અદાલત સુધી લઈ જવામાં આવેલ હતો. જે તમામ અડચણો દૂર થયા બાદ આરોપીઓ વિરૂદ્ધ ૨૦૧૨ની સાલમાં તહોમતનામુ ઘડવામાં આવેલ અને કેસની ટ્રાયલ શરૂ થયેલ હતી. જે ટ્રાયલ દરમ્યાન પણ આરોપીઓ દ્વારા વિવિધ મુદ્દાઓ પર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી ટ્રાયલ વિલંબમાં નાખવામાં આવેલ હતી.

બનાવના આશરે ૨૫ વર્ષ બાદ નોંધાયેલ પુરાવા દરમ્યાન જીવીત મળી આવલે સાહેદો પૈકી પ્રોસીકયુશન દ્વારા કુલ ૩૨ સાહેદોને તપાસવામાં આવલે હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોસીકયુશન દ્વારા તપાસવામાં આવેલ તમામ સાહેદોએ એક સૂરમાં પ્રોસીકયુશનના કેસને સમર્થન આપેલ હતુ અને એક પણ સાહેદ હોસ્ટાઈલ જાહેર થયેલ ન હતા.

ત્યાર બાદ આરોપી તરફેનો પુરાવો શરૂ થતા આરોપી નં. ૩ શૈલેષ લાભશંકર પંડયા એ પોતે સોગંદ ઉપર જુબાની આપેલ અને આરોપી નં. ૧ સંજીવ ભટ્ટનાએ પણ એક સાહેદને બચાવના સાહેદ તરીકે તપાસેલ હતા અને વિશેષમાં ત્રણ સાહેદોને કોર્ટ વીટનેશ તરીકે તપાસવામાં આવેલ હતા. ઉપરોકત તમામ સાહેદોની જુબાની નોંધાયા બાદ જામનગરના મુખ્ય જીલ્લા ન્યાયધીશ શ્રી ડી.એમ. વ્યાસે આજે ચુકાદો આપ્યો હતો.

આ કેસમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી. તરીકે રાજકોટના તુષારભાઈ ગોકાણી રોકાયેલા હતા. આ અગાઉ આ કેસમાં સ્પેશ્યલ પી.પી. તરીકે મોહનભાઈ છાંયાણીની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમનુ અવસાન થતા આ કેસમાં તુષારભાઈ ગોકાણી રહ્યા હતા

૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં તોફાન દરમિયાન પ્રભુદાસ વૈશ્નાણીનું કસ્ટડીયા મોત થયું'તુ

રાજકોટ-જામનગર, તા. ર૦ : ૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન ભારત બંધના એલાનના સંદર્ભમાં જામનગરના જોમજોધપુરમાં કર્ફયુ હોવા છતાં તેનો ભંગ કરવા અંગે કુલ ૧૩૩ શખસોની તે વખતના જામનગર જિલ્લાના એ.એસ.પી. સંજીવ ભટ્ટ સહિતના પોલીસ સ્ટાફે અટકાયત કરીને બેફામ મારકૂટ કરતાં તેમાં પ્રભુદાસ માધવજી વૈશ્નાણીનું કસ્ટડીમાં માર મારવાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ હતું.

આ કેસમાં જામનગરની સેસન્સ કોર્ટમાં રાજયના પૂર્વ પોલીસ વડા પી.પી. પાંડેય અને રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર એચ.પી. સીંગે કોર્ટના વિટનેશ તરીકે જુબાની આપી હતી. જે કામમાં મુળ ફરીયાદી અમૃતલાલ માધવજી વૈષ્નાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં આ કેસ ડે ટુ ડે ચલાવવા તેમજ તા. ર૦ જૂન પહેલાં આ કેસ પૂર્ણ કરવા આદેશ કરેલ હતો. જે આદેશનું પાલન કરતાં જામનગર સેશન્સ કોર્ટે આજે આ ચૂકાદો સંભળાવ્યો હતો.

(3:49 pm IST)