Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

નેશનલ હાઇવે પરની દુકાનો ર૪ કલાક ખુલ્લી રાખી શકાશે : નવો પરિપત્ર બહાર પડ્યો

અગાઉના જાહેરનામામાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર આવેલી દુકાનો અને ધંધાકીય એકમોનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. ત્યારે બુધવારે બહાર પાડેલા પરિપત્રમાં હાઈવેને સમાવિષ્ટ કરાયા છે

અમદાવાદ, તા. ર૦ : બુધવારે રાજયના શ્રમ અને રોજગાર વિભાગે બહાર પાડેલા નવા પરિપત્ર મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારો અને નેશનલ હાઈવે પર આવતી દુકાનો અને ધંધાકીય એકમો હવે ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે. ઉપરાંત, ૧૦થી ઓછા કર્મચારીઓ હોય તેવી ખાણીપીણીની દુકાનો, બેકરી, કરિયાણાની દુકાનો અને મેડિકલ સ્ટોરના માલિકોએ ૨૪ કલાક ધંધો ચાલુ રાખવા માટે લાઈસન્સ કે જિલ્લા સત્ત્।ાધીશો કે જે-તે પોલીસ વિભાગ પાસેથી મંજૂરી લેવાની રહેશે નહીં. જો કે, જે દુકાનોમાં ૧૦દ્મક વધુ કર્મચારીઓ હોય તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાર પછી રિન્યૂ કરાવવાની જરૂર નહીં રહે.

ગુજરાતના સ્થાપના દિવસે એટલે કે, 1 મેના રોજ રાજય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે, ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડિશન્સ ઓફ સર્વિસ) એકટ 2019 હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવતી દુકાનો અને ધંધાકીય એકમોને 24 કલાક ખુલ્લા રાખી શકાશે. શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ કહ્યું, “અગાઉના જાહેરનામામાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર આવેલી દુકાનો અને ધંધાકીય એકમોનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. ત્યારે બુધવારે બહાર પાડેલા પરિપત્રમાં હાઈવેને સમાવિષ્ટ કરાયા છે.”

મિત્રાએ વધુમાં કહ્યું, “મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી વિકાસ સત્ત્।ાધીશો, નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ્સ, રાજયના ટ્રાન્સપોર્ટ ડેપો, હોસ્પિટલ, પેટ્રોલ પંપ હેઠળ આવતી દુકાનો અને ધંધાકીય એકમો કોઈપણ મંજૂરી વિના 24 કલાક ખુલ્લા રાખી શકાશે.” પરિપત્ર પ્રમાણે, સ્ટેટ હાઈવે પર આવેલા ધંધાકીય એકમો રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. નગરપાલિકાના વિસ્તારમાં આવતા ધંધાકીય એકમો સવારે 6થી રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જો કે, નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ના આવતાં એકમો રાત્રે 11 વાગ્યા સુધી જ ખુલ્લા રહી શકશે. પરિપત્રમાં ઉલ્લેખ છે કે, કોઈ વ્યકિત પાસે 9 કલાકથી વધારે કામ નહીં કરાવી શકાય અને મહિલા કર્મચારીને રાત્રે 9 વાગ્યા પછી કામ પર નહીં બોલાવી શકાય.

(11:39 am IST)