Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

અમેરિકામાં ઘૂસી ગયેલ લાખો વિદેશીને તગેડી મૂકાશે

આવતા સપ્તાહથી ઈમીગ્રેશન - કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગને તૂટી પડવા ટ્રમ્પનો આદેશ : પકડાયા ભેગા દેશનિકાલ : અદાલતો દ્વારા દેશ નિકાલ જાહેર કરાયેલા ૧૦ લાખ લોકોને સહુ પહેલા કાઢી મૂકાશે

વોશિંગ્ટન, ૨૦ : અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણી માટે પુનઃ ઉમેદવારી નોંધાવવાની જાહેરાતની પૂર્વસંધ્યાએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લાખો - કરોડો લોકોને હાંકી કાઢવાની ધમકી ઉચ્ચારી છે. શ્રેણીબદ્ઘ ટ્વિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાનો ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા અને ગેરકાયદેસર રહેતા તમામ વિદેશીઓને દેશનિકાલ કરવાની પ્રક્રિયા આગામી સપ્તાહથી શરૂ કરશે. તેઓ જેવા ઝડપાશે કે તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, અદાલતો દ્વારા દેશનિકાલના અંતિમ આદેશો અપાયાં હોવા છતાં અમેરિકામાં વસવાટ કરી રહેલા ૧૦ લાખથી વધુ લોકોને હાંકી કાઢવા પર સૌપ્રથમ ધ્યાન કેન્દ્રિત કરાશે.

અમેરિકાની કાયદા એજન્સીઓ દ્વારા આ પ્રકારના દરોડાની સામાન્ય રીતે જાહેરાત કરાતી નથી. ટ્રમ્પ સરકારના કેટલાક અધિકારીઓ એમ માને છે કે જો આ પ્રકારે દરોડા પાડીને સામૂહિક ધરપકડો કરવામાં આવે તો તેની ધારી અસરો થશે. જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા અને વસવાટ કરવા માગે છે તેમને આકરો સંદેશો પાઠવી શકાશે. ડોનાલ્ડ ટ્રમ્પે દેશની દક્ષિણ સરહદેથી મધ્ય અમેરિકન સ્થળાંતરીઓના પ્રવાહને ખાળવા દ્યણા પ્રયાસ કર્યાં છે. તેમણે હવે શ્રેણીબદ્ઘ આકરાં પગલાંની ધમકી ઉચ્ચારી છે. તાજેતરમાં જ ટ્ર્મ્પે મેકિસકોને જકાત લાદવાની ધમકી આપી હતી. ૨૦૧૬ના ચૂંટણી પ્રચારમાં પણ ટ્રમ્પે ગેરકાયદેસર વસાહતીઓનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.

(11:33 am IST)