Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

આવતા અઠવાડીયે મોદી-ટ્રમ્પ મળશે

ભારતે વળતો ઘા મારતા અમેરીકાના સફરજન ઉત્પાદકો ચિંતામાં મુકાયાઃ કરોડોનું નુકશાન

 ન્યૂયોર્કઃ ભારતે અમેરિકાના સફરજન સહિતની ૨૮ વસ્તુઓ પર આયાત ડયુટી વધારતા વોશિંગ્ટનના સફરજન ઉત્પાદકોની ચિંતા વધી ગઇ છે. વોશિંગ્ટનના સફરજન ઉત્પાદકોએ જણાવ્યું છે કે જો તમે વિશ્વાસપાત્ર અને કાયમી બજાર ગુમાવો છો તો તમારા માટે અન્ય બજારમાં માલ વેચવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

 અમેરિકાએ ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમની વસ્તુઓ પર નાખેલી આયાત ડયુટીના જવાબમાં ભારતે અમેરિકાની ૨૮ વસ્તુઓ પર આયાત ડયુટી વધારી દીધી છે. આ ૨૮ વસ્તુઓમાં બદામ, સફરજન અને દાળોનો સમાવેશ થાય છે.

 ગયા વર્ષે ભારતે અમેરિકામાંથી ૪૦ પાઉન્ડના ૭૮ લાખ સફરજનના બોકસની આયાત કરી હતી. જો કે ચાલુ વર્ષે ભારતે અત્યાર સુધી ફકત સફરજનના ફકત ૨૬ લાખ બોકસની આયાત કરી છે.

 જો કે ભારતે સફરજનની ડયુટીમાં ૨૦ ટકા વધારો કરીને ૭૦ ટકા કરતા હવે અમેરિકામાંથી ભારતમાં થતી સફરજનની નિકાસ પર વધુ પ્રતિકૂળ અસર પડશે. ઉલ્લેખનીય છે કે વોશિંગ્ટન સફરજનના કુલ ઉત્પાદન પૈકી ૩૦ ટકાની નિકાસ કરે છે.

 આગામી સપ્તાહમાં જાપાનના ઓસાકામાં મળનારી જી-૨૦ શિખર મંત્રણા દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીને મળવાના છે.

(11:33 am IST)