Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

૧૧૦૦૦ની વસ્તીએ ૧ ડોકટરઃ ૧ વ્યકિત પાછળ માત્ર રૂ. ૩નો ખર્ચ

દેશની આરોગ્ય સેવાઓ ખાડે ગઈ હોવાનો ચોંકાવનારો રીપોર્ટઃ હેલ્થ પાછળ સરકાર નહિવત રકમ ખર્ચે છેઃ ભારત જીડીપીના માત્ર ૧.૩ ટકા જ સ્વાસ્થ્ય પાછળ ખર્ચે છે જે થાઈલેન્ડ, ભુટાન, સિંગાપોર, શ્રીલંકા, માલદીવથી પણ ઓછોઃ બિહારમાં ચમકી તાવનું તાંડવઃ સરકાર ટૂંકી પડીઃ દર્દીઓ લાચાર અવસ્થામાં: હોસ્પીટલોમાં અપુરતી સુવિધાઓઃ આ છે સ્થિતિ

નવી દિલ્હી, તા. ૨૦ :. બિહારમાં ઝેરી તાવના મામલાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. ૧૦૦થી વધુ બાળકોને ભરખી જનાર આ તાવ સામે બાથ ભીડવા રાજ્ય અને કેન્દ્ર સરકાર વામણી જણાય રહી છે. કેન્દ્ર તરફથી સંભવ મદદ છતા સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યુ નથી. જે રીતે આ પ્રકારનો રોગચાળો ફેલાય રહ્યો છે અને રોજેરોજ નવા કેસ આવી રહ્યા છે તે જોતા તંત્ર લાચાર જણાય રહ્યુ છે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જીવલેણ બિમારીનો કહેર જોવા મળી રહ્યો છે. યુપીમાં ૨૦૧૭ અને ૨૦૧૮માં ઈન્સેફેલાઈટીસ રોગે ૧૦૦૦ લોકોનો ભોગ લીધો હતો તો કેરળમાં નિપાહ અને ઓડીશામાં જોન્ડીસથી લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બધે વચ્ચે સવાલ ઉઠે છે કે શું દેશની પબ્લિક હેલ્થ સિસ્ટમ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે.

ઈન્ડીયા ટુડેના એક રીપોર્ટ અનુસાર સ્વાસ્થ્ય પર સરકાર તરફથી ખર્ચની વાત કરીએ તો સરેરાશ ભારતીય વ્યકિત પર રોજ ૩ રૂ.નો ખર્ચ કરવામાં આવે છે. ભારત પોતાની કુલ જીડીપીના ૧.૩ ટકા હિસ્સો જ સ્વાસ્થ્ય પર ખર્ચ કરે છે તો માલદીવ પોતાની જીડીપીના ૯.૪ ટકા હિસ્સો હેલ્થ પર ખર્ચ કરે છે. સ્થિતિએ એ છે કે થાઈલેન્ડ ૨.૯ ટકા, ભુટાન ૨.૫ ટકા, સિંગાપોર ૨.૫ ટકા અને શ્રીલંકા ૧.૬ પણ ભારતથી વધુ રકમ પોતાના હેલ્થ સેકટર પાછળ ખર્ચ કરે છે.

દેશમાં ૧૧.૪૯ લાખ સરકારી ડોકટરો છે. આ રીતે સમગ્ર સ્વરૂપને જોઈએ તો ૧૧૦૦૦ લોકો પર એક ડોકટર ઈલાજ માટે ઉપલબ્ધ છે. બિહારમાં ૨૮૩૯૧ની વસ્તી પર માત્ર ૧ ડોકટર ઉપલબ્ધ છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિયમ અનુસાર ૧૦૦૦ લોકો પર એક ડોકટર હોવા જોઈએ.

યુપીમાં ૧૯૯૬૨ લોકો પર ૧ ડોકટર ઈલાજ માટે ઉપલબ્ધ છે. ઝારખંડમાં ૧૮૫૧૮ લોકો પર ૧ ડોકટર છે. મ.પ્રદેશમાં ૧૬૯૯૬, છત્તીસગઢમાં ૧૫૯૧૬ અને કર્ણાટકમાં ૧૩૫૫૬ ઉપર ૧ ડોકટર ઉપલબ્ધ છે.

યુપીમાં ઈન્સેફેલાઈટીસથી ૨૦૧૬માં ૬૨૧, ૨૦૧૭માં ૬૫૪ના મોત થયા હતા. પ.બંગાળમાં ૨૦૧૫માં ૩૫૧ તો બિહારમાં ગયા વર્ષે ૭ મોત થયા હતા. ઓડીશામાં ૨૦૧૪માં જોન્ડીસથી ૩૦ લોકોના જીવ ગયા હતા. ૨૦૧૮માં કેરળમાં નિપાહ વાયરસથી ૧૭ લોકોના મોત થયા હતા.

(11:28 am IST)