Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ નરેન્દ્રભાઈએ એનિમેટેડ વીડિયો દ્વારા વિવિધ આસનો શીખવ્યા

ત્રિકોણાસાન, તાડાસન, વૃક્ષાસન, અર્ધચક્રાસન, પાદહસ્તાસન, ઉષ્ટ્રાસન, ભદ્રાસન, વક્રાસન, વજ્રાસન, પવન મુકતાસન સહિતના વિડિઓ મૂકીને ગણાવ્યા ફાયદાઓ

નવી દિલ્હી :૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે વર્ષ ૨૦૧૫થી સંયુકત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવાની શરૂઆત  કરાઈ છે આ વર્ષે પીએમ મોદીએ જુનની શરૂઆતથી જ પોતાના ટ્વીટર હેન્ડલ પર વિવિધ યોગાસનના એનિમેટેડ વીડિયો મુકવાનું શરૂ કર્યું છે આ વીડિયો દ્વારા પીએમ મોદી લોકોને યોગ શીખવાના અને તેના ફાયદા જણાવી રહ્યા છે. પીએમ મોદી આ વીડિયો દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

પીએમ મોદીએ સૌથી પહેલા ૪ જુનના રોજ સોશિયલ મીડિયા પર 'ત્રિકોણાસન'નો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું હતું કે, ''૨૧ જુનના રોજ #YogaDay૨૦૧૯ ઉજવવામાં આવશે. હું યોગને તમારા જીવનનો એક ભાગ બનાવવા માટે આહ્વાન કરૃં છું. યોગના અનન્ય ફાયદા છે. આ વીડિયોમાં તમે ત્રિકોણાસન કરવાની રીત જોઈ શકો છો.''

' ત્રિકોણાસન' પછી પીએમ મોદીએ ૫ જુનના રોજ 'તાડાસન'વીડિયો શેર કર્યો હતો અને તેના ફાયદા જણાવીને આ આસન કરવાની સરળ રીત પણ જણાવી હતી. પીએમ મોદીએ આ એનિમેટેડ વીડિયો શેર કરતા લખ્યું કે, ''તાડાસન કરવાથી તમને બીજા અનેક આસન કરવામાં સરળતા રહેશે. આ વીડિયોથી આસનના ફાયદા જાણવામાં પણ તમને મદદ મળશે.''

   ત્રિકોણાસન' અને 'અર્ધચક્રાસન'ના પછી પીએમ મોદીએ 'વૃક્ષાસન' વીડિયો શેર કર્યો હતો અને તેને કરવાની રીત જણાવી હતી. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, ''વૃક્ષાસન આપણા    શરીર અને મગજ માટે કેટલો ફાયદાકારક છે. આ આસનનો વીડિયો નીચે રજુ કર્યો છે.''

તેના પછી પીએમ મોદીએ 'અર્ધચક્રાસન'ના ફાયદા જણાવતો એક વીડિયો શેર કર્યો અને આ આસન કરવાની રીત પણ બતાવી હતી. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, ''મજબુત કમર, શ્રેષ્ઠ રકત પરિસંચાલન અને બીજું ઘણું બધું...

'અર્ધચક્રાસન' પછી પીએમ મોદીએ ૮ જુનના રોજ 'પાદહસ્તાસન ન'નો વીડિયો શેર કર્યો હતો. પોતાના આ વીડિયોમાં તેમણે પાદહસ્તાસનના ફાયદા અને તેને કરવાની રીત અંગે જણાવ્યું હતું.

'પદહસ્તાન ' વીડિયો પછી પીએમ મોદીએ ૯ જુનના રોજ 'ઉષ્ટ્રાસન'નો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, 'ઉષ્ટ્રાસન આરોગ્ય માટે અત્યંત શ્રેષ્ઠ છે. આ આસન દરરોજ કરવાથી કમર મજબુત થાય છે અને શરીરની ફ્લેકિસબિલિટી વધે છે.''

પીએમ મોદીએ પોતાના નવા વીડિયોમાં 'ભદ્રાસન'ના ફાયદા જણાવ્યા હતા. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, ''ભદ્રાસન શરીરને દૃઢ રાખે છે અને મસ્તિષ્કને સ્થિર રાખે છે.''

'ભદ્રાસન' પછી પીએમ મોદીએ 'વક્રાસન' ફાયદા પણ જણાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા આ આસનની રીત અને તેના ફાયદા જણાવ્યા હતા.

૧૩ જુનના રોજ પીએમ મોદીએ વધુ આસન અંગેનો વધુ એક વીડિયો શેર કર્યો હતો. તેમણે આ વીડિયોમાં 'વજ્રાસન' કરવાની રીત અને તેના ફાયદા જણાવ્યા હતા. તેમણે લખ્યું કે, 'શરીરમાં શ્રેષ્ઠ રકતપરિભ્રમણ અને પાચન તંત્રને વજ્રાસન કરીને મજબૂત બનાવો.'

વજ્રાસન' પછી પીએમ મોદીએ 'પવન  મુકતાસન'નો વીડિયો શેર કર્યો હતો. આ આસન ગેસની સમસ્યાથી રાહત અપાવા માટે અત્યંત ફાયદાકારક છે. દરરોજ આ આસન કરવાથી તમને પેટની અનેક તકલીફોમાંથી રાહત મળી જશે.

પીએમ મોદીએ 'શશાંકાસન' નો વીડિયો શેર કરતા લખ્યું કે, ''આ આસનને તમારી દિનચર્યામાં સામેલ કરો. જોકે આ આસન કેવી રીતે તમારી લાઈફસ્ટાઈલ બદલી નાખે છે.''

'શશાંકાસન' પછી પીએમ મોદીએ 'ભુજાસન'નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, ''ભુજંગાસન નિયમિત રીતે કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે. આ આસનના અસંખ્ય ફાયદા છે.''

૧૭ જુનના રોજ પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર 'શલભાસન'નો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, ''મજબુત કાંડુ, પીઠની માંસપેશીઓ અને સ્પોન્ડિલિટિસને અટકાવવા... આવા જ કેટલાક કારણો માટે 'શલભાસન' કરવો ફાયદાકારક છે.''

૧૮ જુનના રોજ પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર'સેતુ બંધાસન'નો વીડિયો શેર કર્યો હતો. આ આસન પીઠના નીચેના ભાગની માંસપેશીઓને મજબૂત બનાવે છે.

૧૯ જુનના રોજ પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર 'સૂર્ય નમસ્કાર'ના ફાયદા દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. લગભગ ૬: ૪૬ મિનીટના આ વીડિયોમાં સૂર્ય નમસ્કારના તમામ ૧૨ આસન અંગે દર્શાવાયું છે. પીએમ મોદીએ અત્યાર સુધી શેર કરેલા એનિમેટિડ વીડિયોમાં આ વીડિયો સૌથી લાંબો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી ૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાનારા જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. આ વખતે ઝારખંડમાં યોગ દિવસનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી ઝારખંડની રાજધાની રાંચીમાં લોકો સાથે યોગ કરશે. આ અગાઉ, તેઓ આંતરરાષ્ટ્રી યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગના કાર્યક્રમોમાં રાજધાની દિલ્હી, દહેરાદૂન, ચંડીગઢ અને લખનઉમાં ભાગ લઈ ચૂકયા છે.

(1:19 pm IST)