Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૨૬૧ પોઇન્ટ સુધરીને બંધ

નિફ્ટી કારોબારના અંતે ૧૦૭૭૨ની ઉંચી સપાટીએ : એચડીએફસી બેંક અને ઇન્ડસ બેંકના શેરમાં તેજી નોંધાઈ

મુંબઇ,તા. ૨૦ : શેરબજારમાં આજે જોરદાર તેજી રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડ વોરની સ્થિતિ વચ્ચે શેરબજારમાં તેજી રહી હતી. સેંસેક્સ ૨૬૧ પોઇન્ટ ઉછળીને ૩૫૫૪૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૭૭૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ૬૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. ફાઈનાન્સિયલ શેરોમાં તેજી રહી હતી. એચડીએફસી બેંક અને એચડીએફસીમાં તેજી રહી હતી. ઓઇલથી ટેલિકોમ સુધીના શેરમાં તેજી જામી હતી. મોનિટરી પોલિસીના મુદ્દે ચર્ચા જોવા મળી રહી છે. એશિયાના શેરબજારમાં રિબાઉન્ડની સ્થિતિ રહી હતી. શેરબજારમાં ગઇકાલે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૬૨ પોઇન્ટ ઘટીને ૩૫૨૮૭ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૮૯ પોઇન્ટ ઘટીને ૧૦૭૧૦ની નીચી સપાટીએ રહ્યો હતો. ટ્રેડવોરની સ્થિતિ, ઇસીબીની બેંક, બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક, નવા આઈપીઓ જેવા પરિબળોની બજાર ઉપર અસર રહી શકે છે. ઓપેકની બેઠક ૨૨મી અને ૨૩મી જૂનના દિવસે મળનાર છે જેમાં પ્રોડક્શન સમજૂતિની સમીક્ષા કરવામાં આવી શકે છે. ઓપેક અને રશિયા સહિતના અન્ય નિકાસકારો સ્વૈચ્છિકરીતે ઉત્પાદનની મર્યાદા હળવી કરવા માટે ઇચ્છુક છે. બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક ગુરુવારે મળશે જેમાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. આ વખતે વ્યાજદર યથાવત રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બ્રાઝિલ,  મેક્સિકો, તાઈવાન, ફિલિપાઈન્સ, થાઇલેન્ડ જેવા દેશોના સેન્ટ્રલ બેંકની બેઠક પણ યોજાનાર છે.  નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો  હતો. ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો.

(7:35 pm IST)