Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રાજ્યપાલ શાસનથી સેનાના ઓપરેશન ઉપર અસર નહીં

આર્મી ચીફ બિપીન રાવતની સ્પષ્ટ પ્રતિક્રિયા : ત્રાસવાદીઓ સામે ઓપરેશન માટે ૮૦૦ સૈનિકો તૈનાત

શ્રીનગર, તા. ૨૦ : જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થયા બાદ આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યપાલ શાસનથી સેનાના કામ ઉપર કોઇપણ પ્રભાવ પડશે નહીં. તેમણે કહ્યું હતું કે, ત્રાસવાદીઓએ સામે ઓપરેશન યથાવરીતે જારી રહેશે. મંગળવારના દિવસે પીડીપી અને ભાજપ સરકારનું પતન થયું હતું. બુધવારના દિવસે રાષ્ટ્રપતિથી મંજુરી મળી ગયા બાદ રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આગામી છ મહિના સુધી હવે રાજ્યપાલ શાસન રહેશે. સેના પ્રમુખ બિપીન રાવતે કહ્યું છે કે, અમે રમઝાન દરમિયાન કાર્યવાહી ગોઠવી હતી. રાજ્યપાલ શાસન અમારા ઓપરેશન સાથે પ્રભાવિત થશે નહીં. ત્રાસવાદીઓની સામે પહેલાની જેમ જ ઓપરેશન જારી રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતીય સેના કોઇપણ પ્રકારની રાજકીય દરમિયાનગીરીનો સામનો કરી રહ્યું નથી. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે જોરદાર ઓપરેશન શરૂ કરવામાં આવી ચુક્યું છે. આ ઓપરેશન યથાવતરીતે જારી રહે તેવા સંકેત મળી રહ્યા છે. ત્રાસવાદીઓની માહિતી મળ્યા બાદ આશરે ૮૦૦ જવાનો કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં ઓપરેશન ચલાવી રહ્યા છે. સેનાના ૧૪ રાષ્ટ્રીય રાયફલ અને ૨૯ રાષ્ટ્રીય રાયફલના જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્રાસવાદીઓ સામે મોરચા ખોલવા માટે સેનાને પુરતી સુરક્ષા આપવામાં આવી છે. સાથે સાથે તેમને સ્વતંત્રતા પણ અપાઈ છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હાલમાં ખુબ ખરાબ થઇ છે.

(7:34 pm IST)