Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જમ્મુ કાશ્મીર : ત્રાસવાદ સામે ઓપરેશન હવે વધુ તીવ્ર કરાશે

રાજ્યપાલ શાસન આવ્યા બાદ કાર્યવાહીમાં વધુ સરળતા રહેશે : જમ્મુ કાશ્મીરમાં મહેબુબા સરકારના પતન બાદ ડીજીપી એસપી વૈદ્ય દ્વારા પ્રતિક્રિયા અપાઈ : કુશળ અધિકારીઓને યોગ્ય મોરચા પર મુકવાની જાહેરાત

શ્રીનગર,તા. ૨૦ : જમ્મુ કાશ્મીરમાં મહેબુબા સરકારનું પતન થયા બાદ આજે રાજ્યપાલ એનએન વોરાએ રાજ્યની જવાબદારી સંભાળી લીધી હતી. કાશ્મીરમાં આની સાથે જ વહીવટી હિલચાલ તીવ્ર બની ગઈ હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ખાસ રહી ચુકેલા વધારાના મુખ્ય સચિવ (ગૃહ) બીવીઆર સુબ્રમણ્યમને કાશ્મીરમાં લાવવામાં આવ્યા છે. બીજી બાજુ સુરક્ષા દળોએ પણ ત્રાસવાદીઓ સામે કાર્યવાહી તીવ્ર બનાવી દીધી છે. ડીજીપી એસબી વૈદ્યએ આજે પ્રેશર ફ્રી હોવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગવર્નર શાસનમાં પોલીસ માટે કામ કરવાની બાબત ખુબ સરળ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, અમારા ઓપરેશન યથાવતરીતે જારી રહેશે. રમઝાન દરમિયાન ઓપરેશન ઉપર બ્રેક મુકવામાં આવી હતી. ઓપરેશન પહેલા પણ ચાલી રહ્યા હતા. હવે વધારે તીવ્ર બનાવવામાં આવી રહ્યા છે. ગવર્નર શાસન અથવા તો રાજ્યપાલના શાસનથી તેમને કોઇ અસર થશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, આવનાર દિવસોમાં કાર્યવાહી વધુ તીવ્ર કરવામાં આવશે. વૈદ્યએ કહ્યું હતું કે, રમઝાન યુદ્ધવિરામના કારણથી ત્રાસવાદીઓને ફાયદો થયો હતો. રમઝાન યુદ્ધવિરામ દરમિયાન ત્રાસવાદી કેમ્પો ઉપર હુમલાનો જવાબ આપવાની સ્વતંત્રતા હતી પરંતુ અમારી પાસે કોઇ માહિતી ન હતી. તે આધાર પર ઓપરેશન ચલાવવાની સ્થિતિ ન હતી. આવી સ્થિતિમાં યુદ્ધવિરામથી અનેકરીતે ત્રાસવાદીઓને ફાયદો થયો હતો. આ દરમિયાન દિલ્હીમાં એક કાર્યક્રમ બાદ જુદા જુદા લોકોએ પણ આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. છત્તીસગઢના વધારાના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમને જમ્મુ કાશ્મીર મોકલવામાં આવ્યા છે. મંત્રીમંડળની નિમણૂંક સમિતિએ મંગળવારે સાંજે સુબ્રમણ્યમની મંજુરીને લીલીઝંડી આપી હતી. સુબ્રમણ્મય ૧૯૮૭ની બેચના આઈએએસ અધિકારી છે. તેઓ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંગત સચિવ તરીકે હતા. રાજ્યપાલ એનએન વોરાના સલાહકાર તરીકે કામ કરશે કે કેમ તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ ચુકી નથી. નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓએ કહ્યું છે કે, કેટલાક રાજનેતાઓ તરફથી પથ્થરબાજો, કટ્ટરપંથીઓ અને અલગતાવાદીઓને સમર્થન મળી રહ્યું હતું. કોઇ રાજકીય દબાણ ન હોવાથી સુરક્ષા દળો હવે વધારે આક્રમકતા સાથે કામ કરશે. અતિસંવેદનશીલવાળી જગ્યા પર યોગ્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને ગોઠવવામાં આવશે. કોઇપણ દબાણ વગર ત્રાસવાદ વિરોધી ગતિવિધિ ચલાવી શકે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, અનેક કુશળ અધિકારીઓ રહેલા છે જે સાઈડલાઇન કરી દેવામાં આવ્યા છે. ત્રાસવાદી બુરહાન વાનીના મોત બાદ સ્થિતિ વણસી ગઈ હતી. આવી સ્થિતિમાં એવા અધિકારીઓને આગળ લાવીને ત્રાસવાદીઓને ઠાર મારી દેવાની રણનીતિ ઉપર કામ થઇ શકે છે.

(7:33 pm IST)