Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

૧૩૦૦૦ કરોડના પીએનબી કૌભાંડ પાછળ ઘોર લાપરવાહી

આંતરિક તપાસમાં ધડાકો : ૧૬૨ પાનાનો રીપોર્ટ બેંકને સોંપાયો : કૌભાંડની બેંકના ઓફિસરોને જાણ હતી છતાં કર્યા આંખ - મિચામણા : છેતરપીંડીના તાર અનેક બ્રાંચ સાથે જોડાયેલા : કલાર્ક, ફોરેન એક્ષચેન્જ મેનેજર અને ઓડીટરથી લઇને રીજીયન ઓફિસરના વડા સહિત બેંકના ૫૪ કર્મચારી - ઓફિસરોની સંડોવણી

નવી દિલ્હી તા. ૨૦ : પંજાબ નેશનલ બેંકમાં ૧૩ હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બેંકના જોખમ નિયંત્રણ તેમજ નિગરાની તંત્રમાં ઉંડાણપૂર્વક ખામીઓના કારણે નીરવ મોદી અને મેહુલ ચોકસીની સાથે બેંક કર્મીઓની મીલીભગત બહાર આવી શકી નહોતી પીએનબીએ જ અધિકારીઓને આંતરિક તપાસની જવાબદારી સોંપી હતી. તેઓએ ૧૬૨ પાનાનો રીપોર્ટ સોંપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કૌભાંડના તાર પીએનબીની અમુક નહી પરંતુ અનેક શાખાઓ સાથે જોડાયેલા છે.

તપાસ રીપોર્ટ કહે છે કે પીએનબી કૌભાંડમાં કલાર્ક, ફોરેન એક્ષચેન્જ મેનેજર અને ઓડિટરથી માંડીને રીજીયન ઓફિસના વડા સુધી પીએનબીની કુલ ૫૪ કર્મચારી - અધિકારી સામેલ હતા. આ ૫૪માંથી ૮ લોકો વિરૂધ્ધ સીબીઆઇએ કેસ નોંધ્યો છે. આ તપાસ રીપોર્ટને હજુ સાર્વજનિક કરાયો નથી.

રીપોર્ટમાં કૌભાંડ બાદ શંકાસ્પદ ઓથોરીટીઝ વિરૂધ્ધ નિયમ હેઠળ કાર્યવાહી નહી કરવાનો પણ ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પીએનબી પર કોઇ દંડ લગાવાયો નથી અને સીનીયર મેનેજમેન્ટમાં કોઇપણને હટાવાયા નથી. જોકે, રીપોર્ટ એ સવાલ પર મૌન છે કે શું નિગરાનીની જવાબદારી નિભાવમાં અસફળ રહેલા અધિકારીઓને કૌભાંડની જાણ હતી.

તપાસ કરતા પીએનબી અધિકારીઓનું માનવું છે કે, વર્ષોથી ચાલી રહેલા કૌભાંડ તેથી બહાર આવ્યું નહી કારણ કે નવી દિલ્હીમાં આવેલ પીએનબી મુખ્યાલયમાં ક્રેડિટ રીવ્યુ અને ઇન્ટરનેશનલ બેંકીંગ યુનિટ્સ જેવા અતિમહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારે ગરબડી હતી. રીપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અસફળતાના પર્યાપ્ત સાક્ષ્ય છે. સ્પષ્ટ છે કે, નિયમોનું ઉલ્લંઘન, અનૈતિક વ્યવહાર, ગેરજવાબદારીની માનસિકતાએ બેંકને આ સંકટમાં નાખી છે.

તપાસ રીપોર્ટના જણાવ્યા મુજબ બેંકની ઇન્ટરનેશનલ બેંકીંગ સિસ્ટમ અને આઇટી ડિવીઝને ઇન્ટેગ્રેશન વર્કમાં મોડું કર્યું છે. તેઓએ રિવ્યુમાં આરબીઆઇ તરફથી આવેલ નિર્દેશોનું પાલન કર્યું નથી. જેમાં સ્વિફટ સિસ્ટમની વ્યાપક ઓડિટીંગનો સુઝાવ હતો. તપાસ કર્તાઓએ કહ્યું કે, મુંબઇમાં આવેલ બ્રેડી હાઉસ બ્રાંચમાં નિયમ હેઠળ બેસિક ડેલી સ્વિફટ રિકન્સિલેઅશનનું કાર્ય થયું હોત તો કૌભાંડની જાણ થાત.

પીએનબીની આંતરિક રીપોર્ટ કહે છે કે, નિરવ મોદી કંપનીઓની સાથે ડિલિંગના કારણે બ્રેડી હાઉસ બ્રાંચ સ્ટાર પરર્ફોમર બની ગયું હતું. તેનું ઇમ્પોર્ટ અને એક્ષ્પોર્ટ ટ્રાન્ઝેકશન માર્ચ ૨૦૧૭ સુધી ૧૨ મહીનામાં જ ૩.૩૦ અરબ ડોલર થઇ ગયું હતું. પેપર ટ્રેલમાં મોટી ગરબડી છતાં ૨૦૧૦થી ૨૦૧૭ વચ્ચે ૧૦ વાર તપાસ માટે આવેલા સીનીયર ઇન્સ્પેકશન ઓફિસરોમાંથી કોઇએ પણ ખામીનો રીપોર્ટ કર્યા નહિ. રીપોર્ટમાં કહેવાયું છે કે કૌભાંડના મોટા સંકેતોને નજર અંદાજ કરવામાં આવ્યા હતા.

(3:39 pm IST)