Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવશે પણ પ્રજાને મોટી રાહત નહિ થાય

પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લવાશે પરંતુ તે પ્યોર જીએસટી નહિ હોયઃ બન્ને પર લાગતો ટેકસ જીએસટી અને રાજ્યો દ્વારા લગાવાતા વેટનું કોમ્બીનેશન હશે : જો બન્નેને જીએસટીમાં લવાય તો બન્ને ઈંધણ પર ૨૮ ટકા જીએસટી રેટ અને રાજ્યો દ્વારા લગાવવામાં આવતા લોકલ સેલ્સ ટેકસ કે વેટ લાગી શકે છે

નવી દિલ્હી, તા. ૨૦ :. પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લેવાય તો પ્રજાને રાહત થશે તેવી ધારણા રાખતા હો તો ભૂલી જજો કે ભાવ ઘટશે. સરકાર એવી વ્યવસ્થા ગોઠવવા જઈ રહી છે કે જેનાથી આ બન્ને પ્રોડકટ જીએસટી હેઠળ આવશે પરંતુ પ્રજાને બહુ મોટો લાભ નહી થાય. જીએસટીના વ્યવસ્થા તંત્રમાં પેટ્રોલ-ડીઝલ પર લાગતો ટેકસ જીએસટી અને રાજ્યો દ્વારા લગાવવામાં આવનાર વેટનુ કોમ્બીનેશન હોય શકે છે. એક ટોચના અધિકારીએ જણાવ્યુ છે કે, જો પેટ્રોલ - ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો બન્ને ઈંધણ પર સૌથી વધુ ૨૮ ટકા જીએસટી રેટ અને રાજ્યો દ્વારા લગાવવામાં આવતા લોકલ સેલ્સ ટેકસ કે વેટ લાગી શકે છે. સૌથી વધુ જીએસટી રેટની સાથે જ વેટ વર્તમાન ટેકસીસની સમાન રહેશે. જેમાં એકસાઈઝ ડયુટી કેન્દ્ર દ્વારા અને વેટની વસુલી રાજ્યો દ્વારા કરવામાં આવતી હોય છે.

અધિકારીએ જણાવ્યુ છે કે જો કે બન્ને ઈંધણને જીએસટી હેઠળ લાવતા પહેલા કેન્દ્રએ નિર્ણય લેવાનો છે કે શું ? તે ૧ લી જુલાઈ ૨૦૧૭થી લાગુ થયેલ જીએસટીથી પેટ્રોલ-ડીઝલ, કુદરતી ગેસ, જેટફયુલ અને ક્રૂડ ઓઈલને બહાર રાખ્યા બાદ બનેલ ૨૦ હજાર કરોડ રૂ.ની ઈનપુટ ટેકસ ક્રેડીટને છોડવા માટે તૈયાર છે.

અધિકારીએ જણાવ્યુ હતુ કે પેટ્રોલ, ડીઝલ પર દુનિયામાં કયાંય પ્યોર જીએસટી નથી તેથી ભારતમાં આ જીએસટી અને વેટનુ કોમ્બીનેશન જ હશે. જો કે તેમણે કહ્યુ હતુ કે, આ બન્નેને જીએસટીમાં સામેલ કરવાનો સમય રાજકીય રીતે મહત્વનો બનશે. જેનો ફેંસલો કેન્દ્ર અને રાજ્યોએ લેવાનો છે.કેન્દ્ર પેટ્રોલ પર ૧૯.૪૮ રૂ. અને ડીઝલ પર ૧૫.૩૩ રૂ. એકસાઈઝ વસુલે છે. રાજ્યો વેટના મામલામાં આંદામાન નિકોબાર સૌથી પાછળ છે ત્યાં આ બન્ને ઈંધણ પર ૬ ટકા ટેકસ લેવાય છે. મુંબઈમાં પેટ્રોલ પર સૌથી વધુ ૩૯.૧૨ ટકા વેટ લેવાય છે. જયારે તેલંગણા ડીઝલ પર સૌથી વધુ ૨૬ ટકા વેટ વસુલે છે. દિલ્હીમાં પેટ્રોલ પર ૨૭ ટકા અને ડીઝલ પર ૧૭.૨૪ ટકા વેટ વસુલે છે. આ પ્રકારે પેટ્રોલ પર ૪૫ થી ૫૦ ટકા અને ડીઝલ પર ૩૫ થી ૪૦ ટકા ટેકસ વસુલાઈ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પેટ્રોલ ડીઝલ વર્તમાન ટેકસ પહેલા જ પીકરેટથી વધુ થઈ ચૂકયો છે. જો રેટ ૨૮ ટકા રહે તો કેન્દ્ર અને રાજ્યો બન્નેને નુકશાન થશે.

(3:28 pm IST)