Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

લખનૌ આગ : જાન બચાવવા પ્રવાસી છત ઉપરથી કુદી ગયા

હોટેલ અગ્નિકાંડમાં મોતનો આંકડો વધીને સાત : ભાગવા માટે રસ્તો નહીં મળતા લોકો ઉપરથી કુદી ગયા

લખનૌ,તા. ૨૦ : ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં હોટેલમાં લાગેલી આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી છે. આ અગ્નિકાંડના બનાવમાં મોતનો આંકડો વધીને સાત ઉપર પહોંચી ગયો છે. ઉંડી તપાસ હજુ પણ કરવામાં આવી રહી છે. જાણકાર લોકોએ કહ્યુ છે કે હોટેલમાં ત્રીજા માળે રોકાયેલા લોકોને ભાગવા માટે કોઇ જગ્યા ન મળતા લોકો છતથી નીચે કુદી ગયા હતા. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં ગઇકાલે મંગળવારે વહેલી સવારે એક ખાનગી હોટેલમાં ભીષણ આગ લાગી ગઇ હતી. ચારબાગ રેલવે સ્ટેશનથી આશરે ૨૦૦ મીટરના અંતરે સ્થિત આ હોટેલમાં આગ ફાટી નિકળી હતી. આગ બાદ ફાયર બ્રિગેડનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કેટલાક લોકોને બચાવી પણ લેવામાં આવ્યા હતા. દાજી ગયેલા લોકો પૈકી પાંચે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. લખનૌના ચારબાગ રેલવે સ્ટેશનથી આશરે ૨૦૦ મીટરના અંતરે સ્થિત હોટેલ વિરાટ ઇન્ટરનેશનલમાં સવારે આગ લાગી હતી. જે સમય ઘટના બની ત્યારે હોટેલના તમામ કર્મચારીઓ અને હોટેલમાં રોકાયેલા લોકો ઉંઘી રહ્યા હતા. થોડાક સમય બાદ જ્યારે આગ ફેલાવવા લાગી ત્યારે હોટેલના અંદર રહેલા કર્મચારીઓમાં અને પ્રવાસીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. સાક્ષીઓએ વિગત આપતા કહ્યુ છે કે એક જોરદાર બ્લાસ્ટ બાદ આગ ફાટી નિકળી હતી. લોકો કઇ પણ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો ફસાઇ ગયા હતા. ઉતાવળમાં લોકોએ તરત જ પોલીસ અને ફાયરબ્રિગેડને માહિતી આપી હતી. શરૂઆતમાં ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. થોડાક સમયમાં જ આગ હોટેલના બીજા માળ સુધી પહોંચી ગઇ હતી. લખનૌ હોટેલ આગની ઘટનામાં કોઇ ભાંગફોડની શક્યતા નથી. 

(12:38 pm IST)