Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મોદીજીને 'સતારૂઢ' થતા રોકવા અને હવે 'હટાવવા' મુશ્કેલ !

લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટરજી માને છે કે ૨૦૧૯માં ભાજપ માટે ચઢાણ કપરા પરંતુ તેમને રોકી નહીં શકાયઃ કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ સક્રિય પરંતુ ભાજપની સ્થિતિ મજબૂતઃ વિપક્ષો સંગઠીત થવા પ્રયત્નો કરે છે પરંતુ માર્ગ કઠીન !: શરદ યાદવની દરખાસ્ત વિપક્ષોએ માની હોત અને જ્યોતિ બસુને વડાપ્રધાન બનાવ્યા હોત તો દેશનું રાજકારણ જુદુ જ હોત !!

કલકત્તા, તા. ૨૦ :. લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને ૬૦ વર્ષની સફળ રાજકીય કારકિર્દીની સફર ખેડનાર માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના કદાવર નેતા સોમનાથ ચેટરજીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો છે કે, નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી થતા રોકવા મુશ્કેલ અને હટાવવા પણ મુશ્કેલ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સક્રિય છે અને વિપક્ષી એકતા માટેના પ્રયાસો જારી છે પરંતુ તેમનો રસ્તો ખૂબ જ કપરો છે. જો કે ભાજપ માટે પણ આકરા ચઢાણ છે પરંતુ તેઓ સફળ થઈ શકે છે.

તેમણે એક એવી પણ વાત કરી છે કે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયાની ખરાબ રાજકીય સ્થિતિ અંગે પાર્ટીએ ખરા સમયે સાચો નિર્ણય ન લીધો તેને માનુ છું, જ્યોતિ બસુને પ્રધાનમંત્રી બનાવવા માટે શરદ યાદવના પ્રસ્તાવ પર સીતારામ યેચુરી અને પાર્ટીના અન્ય નેતાઓએ યોગ્ય નિર્ણય ન લીધો તેણે મોટો ભાગ ભજવ્યો.

આ ઉપરાંત પાર્ટીએ જ પોતાને પણ રાષ્ટ્રપતિ બનતા રોકયા હતા તેમના જણાવ્યા મુજબ જો જ્યોતિ બસુને પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો દેશને એક કોમ્યુનિસ્ટ પ્રધાનમંત્રી મળ્યા હોત અને દેશની રાજકીય પરિસ્થિતિ કાંઈક જુદી જ હોત.

દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યુ હતુ કે ભાજપ માટે ૨૦૧૯માં જીત સાવ આસાન નહી રહે. ચેટરજીના જણાવ્યા મુજબ ૨૦૧૯માં પણ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદે ફરી સત્તારૂઢ થવુ પણ મુશ્કેલ હશે અને તેમને હટાવવા પણ મુશ્કેલ હશે.

અગાઉ લોકસભા અધ્યક્ષ હોવાના કારણે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનમાં ભાગ ન લેવા બદલ પાર્ટીએ તેમને સાઈડ લાઈન કરી દીધા હતા. હાલ તેઓ પોતાના વંશ પરંપરાગત મકાનમાં એકલા જ જીવન વ્યતીત કરી રહ્યા છે.

રાહુલ ગાંધીની સક્રિયતા અને મમતા બેનર્જીએ પહેલ કરીને પ્રાદેશિક પાર્ટીઓના ફ્રન્ટને લઈને ૨૦૧૯ના લોકસભા ચૂંટણી જંગમાં શું થઈ શકે ? તેવા પ્રશ્ન તથા ત્રિશંકુ લોકસભા અંગેના પ્રશ્નના જવાબમાં સોેમનાથ ચેટરજીએ જણાવ્યુ હતુ કે હજુ કંઈ પણ કહેવું ઘણુ વહેલુ ગણાશે પરંતુ વિપક્ષો અને સરકાર બન્ને માટે કપરા ચઢાણ છે બાકી બદુ સમય આધારીત છે.

જો કે તેમણે જણાવ્યુ હતુ કે, હાલમાં સ્થિતિ ચિંતાજનક છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ઉપર જોખમ છે. પંચાયતોની ચૂંટણીમાં બંધારણીય જોખમો પણ નજરે પડયા છે. યોગ દિવસને લઈને રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ વિશ્વ વિદ્યાલયોને લખેલ પત્રમાં કાંઈ ખોટુ નથી આ બાબતે સરકારને કોઈ વાંધો હોવો જોઈએ નહીં.(૨-૬)

 

(11:58 am IST)