Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઘર ખરીદનારા લોકો માટે ખુશખબર ! RBIએ વધારી PSL માટે લોનની મર્યાદા

આર્થિર રીતે નબળા વર્ગોને હાઉસિંગ પ્રોજેકટનો લાભ આપવા માટે વાર્ષિક આવકની મર્યાદા બે લાખથી વધારીને ત્રણ લાખ કરવામાં આવશે

નવી દિલ્હી તા. ૨૦ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, ૪૫ લાખથી ઓછી કિંમતના ઘર પર ૩૫ લાખ સુધીની હોમ લોનને પ્રાયોરિટી સેકટર લેન્ડિંગ (PSL) માનવામાં આવશે, જેથી લો-કોસ્ટ બાંધકામને પ્રોત્સાહન મળશે. RBIએ તેના નવા નોટિફિકેશનમાં કહ્યું છે કે, 'ઓછી કિંમતનાં ઘરોનાં નિર્માણને પ્રોત્સાહન આપવા, ઓછી આવક ધરાવતા લોકોનાં ઘરનું સપનું પૂરું કરવા અને PSLના નિયમોને સરળ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. મહાનગરોમાં આ મર્યાદા ૩૫ લાખ હશે, જયારે અન્ય જગ્યાઓએ તે ૨૫ લાખ હશે.'

તેમાં શરત એટલી છે કે, ૧૦ લાખથી વધુ આબાદી ધરાવતાં શહેરોમાં નિર્માણ ખર્ચ ૪૫ લાખ અને અન્ય જગ્યાઓએ ૩૦ લાખથી વધુ ન હોવો જોઈએ. હાલ આ લોન મોટાં શહેરોમાં ૨૮ લાખ અને અન્ય ક્ષેત્રોમાં ૨૦ લાખ સુધીની અરજી પર આપવામાં આવે છે.

RBIના નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ને હાઉસિંગ પ્રોજેકટનો લાભ આપવા માટે વાર્ષિક આવકની મર્યાદા બે લાખથી વધારીને ત્રણ લાખ કરવામાં આવશે. આ સાથે જ લો ઇનકમ ગ્રૂપ્સ (LIG) માટે આવકની મર્યાદા ૩ લાખથી વધારીને છ લાખ કરી દેવાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બનાવેલા નિયમોમાં પણ તેનો સમાવેશ કરવામાં આવશે.

(11:57 am IST)