Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

આઠમી સુધી ફેલ ન કરવાની નીતિ બદલાશે

શિક્ષણ મંત્રાલયે સંકેત આપ્યોઃ રપ રાજયો અને સંસદીય સ્થાયી સમિતિએ ફેરફાર માટે આપી સહમતી

નવી દિલ્હી તા. ર૦ :.. શિક્ષણના સ્તરમાં સુધારો લાવવામાં લાગેલી સરકારને મોટી સફળતા મળી છે. શાળાઓમાં આઠમા ધોરણ સુધી નાપાસ નહી કરવાની નીતિમાં ફેરફાર કરવાનો હવે સંસદની સ્થાયી સમિતિએ સ્વીકાર કર્યો છે. આ સાથે જ સંસદના ચોમાસુ સત્રમાં આ ખરડો પસાર થવાનો માર્ગ મોકળો થયો છે. સરકાર આ ફેરફારને ર૦૧૯ ના માર્ચથી લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ ફેરફારને દેશના રપ રાજયોએ સમર્થન આપી દીધું છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું માનવું છે કે આ ફેરફારથી શાળાઓના શિક્ષણની ગુણવતામાં સુધારો થશે. કેમ કે આઠમાં ધોરણ સુધી વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની હાલની નીતિના કારણે શૈક્ષણીક ગુણવતા પહેલા કરતા કથળી છે. જો ચાર રાજયો હજી પણ આ ફેરફારનો વિરોધ કરી રહ્યા છે. જેમાં આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓરીસ્સા અને તેલંગાણા સામેલ છે. આ રાજયોએ થોડા દિવસો પહેલા થયેલી બેઠકમાં વાંધો ઉઠાવ્યો હતો.

આ કારણે જ કેન્દ્ર સરકારે પરીક્ષામાં ફેરફાર કરવા માટે રાજયોને પુર્ણ સ્વતંત્રતા આપી છે. મંત્રાલયનું માનવું છે તે આ મામલે રાજયો સાથે ટકરાવા નથી ઇચ્છતી. જો કે નવા નિયમ પ્રમાણે જે રપ રાજયોએ ફેરફારનો સ્વીકાર કર્યો છે ત્યાં માર્ચ ર૦૧૯ માં ધોરણ પાંચ અને આઠની પરીક્ષા લેવાશે અને તેમાં  નબળા વિદ્યાર્થીઓને ફેલ પણ કરાશે. આપને જણાવી દઇએ કે શાળા છોડનારની વધતી સંખ્યાને જોતા તે વખતની સરકારે આઠમા ધોરણ સુધી ફેલ ન કરવાની નીતિ અમલમાં મુકી હતી.

(11:56 am IST)