Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

૩ લાખ રેલ્વે કર્મચારી ગ્રુપ-સી ઓફિસર બનશે

ગ્રુપ-સી પદ પર કામ કરતા કર્મચારીઓને મળશે પ્રમોશન

નવી દિલ્હી તા.૨૦: રેલ્વે એ ગ્રુપ-સીના હોદા પર કામ કરતા લાખો કર્મચારીઓને ઓફિસર બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. રેલ્વે બોર્ડ આના માટે એક ઉચ્ચ્ સ્તરિય સમિતિની રચના કરી છે. એક મહિના પછી સમિતિની ભલામણો લાગુ થતાં વર્ષોથી ગ્રુપ-સીના હોદ્દા પર કામ કરતાં કર્મચારીઓ અધિકારી બની જશે.

સુત્રો એ કહયું કે, સાતમાં પગાર પંચની ભલામણોમાં ૪૬૦૦ રૂપિયા ગ્રેડ પે ના કર્મચારીઓને ગ્રુપ-સી માંથી પ્રમોશન આપીને ગ્રુપ-બીનો હોદ્દો આપવાનું કહયું છે. કેન્દ્ર અને રાજય સરકારોએ આ નિયમ અમલમાં મુકી દીધો છે. પણ રેલ્વેએ હજુ સુધી તેના પર અમલ નથી કર્યો.

ઘણી રાજય સરકારોમાં ૪૨૦૦ રૂપિયા ગ્રેડ પે ના ગ્રુપ-બીનો દરજજો મળી ચુકયો છે. કર્મચારીઓના દબાણ પછી રેલ્વે બોર્ડ કર્મચારીઓને ઓફિસર બનાવવા માટે ૧૨ જુને ઉચ્ચ સ્તરીય અધિકારીઓની સમિતિની રચના કરી દીધી છે. આવતા મહિને આ સમિતિ પોતાની ભલામણો રજુ કરશે. ત્યારપછી સીવીલ, મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ટેલીકોમ વગેરે કેડરના ગ્રુપ-સીના કર્મચારીઓને ગ્રુપ-બીનો દરજજો અપાશે.

રેલ્વે મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહયું કે સમિતિની ભલામણોના આધારે કર્મચારીઓને ફાયદો થશે. ટેકનીકલ સ્ટાફ લગભગ નવ હજાર અને નોનટેકનીકલ સ્ટાફ લગભગ ચાર લાખથી વધારે છે. આમ અઢીથી ત્રણ લાખ કર્મચારીઓને આનો લાભ મળશે. તેમણે કહયું કે, ગ્રુપ-સીના કર્મચારીઓને ગ્રેડ પે પ્રમાણે ગ્રુપ-બી ગેઝેટેડ અને ગ્રુપ-બી નોન ગેઝેટેડનો હોદ્દો અપાશે.

ગ્રુપ-બી ઓફિસર બન્યા પછી કર્મચારીઓનો ગ્રેડ પે ૪૮૦૦ રૂપિયા થઇ જશે. રેલ્વેના વિશેષ પાસ, ઓફિસર્સ કલબની સુવિધા ઉપરાંત કલાસ વન અધિકારીઓના બંગલા પણ તેમને મળી શકશે. રેલ્વે તરફથી પટ્ટાવાળા અને વાહનની સગવડ પણ તેમને મળશે. (૧.૪)

(11:55 am IST)