Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ત્રાસવાદીઓ અને પથ્થરબાજો સામે હવે શરૂ થશે આક્રમક કાર્યવાહી

દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર પણ શરૂ થયો, કાશ્મીર વિશે મોટા નિર્ણયો લેવાય એવી શકયતા

નવી દિલ્હી તા. ૨૦ : જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને બીજેપીનું ગઠબંધન તૂટયા પછી એ રાજ્યમાં રાજ્યપાલનું શાસન લાદવાની તૈયારી શરૂ થઇ છે. એ તૈયારીઓ દરમિયાન દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર પણ શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીરના ભવિષ્ય બાબતે કેટલાક મોટા નિર્ણયો લેવાની ભૂમિકા રચાઇ છે. જાણકારોનું કહેવું છે કે કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાદવા સાથે આતંકવાદીઓ તેમ જ પથ્થરબાજો વિરૂધ્ધ કાર્યવાહી આક્રમકરૂપે હાથ ધરવામાં આવશે.

ઉચ્ચ સ્તરના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે અમરનાથયાત્રા પૂર્વે જબરદસ્ત મોટું એન્ટિ-ટેરરિસ્ટ ઓપરેશન હાથ ધરવાની શકયતા છે. એ માટે લશ્કરની રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડી અને જમ્મુ-કાશ્મીર પોલીસ દક્ષિણ કાશ્મીરના કેટલાક જિલ્લામાં મોટા પાયે અભિયાન ચલાવે એવી શકયતા છે. સૈનિક ઔરંગઝેબ ખાન અને વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાની ઘટનાઓ પછી દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓની સફાઇનું વ્યાપક અભિયાન ચલાવવાની શકયતા છે. એ ઉપરાંત આગામી દિવસોમાં પેરા સ્પેશ્યલ ફોર્સિસની મદદથી 'ઓપરેશન કિલ ટોપ કમાન્ડર' અને 'ઓપરેશન ઓલઆઉટ' હાથ ધરવાની શકયતા છે.

(11:54 am IST)