Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા

ચણા, અડદ અને મગની વાવણી મોડી થાય તેવી શકયતા પાછળ ભાવમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે

મુંબઇ, તા.૨૦: ગુજરાત, મધ્યપ્રદેશ સહિત પશ્યિમનાં રાજયોમાં ચોમાસું હજુ અઠવાડિયાથી ૧૦ દિવસ લંબાય તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે, જેના પગલે ચણાના વાયદામાં બે ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. માહિતી મુજબ ચણા, અડદ અને મગની વાવણી મોડી થાય તેવી શકયતા પાછળ ભાવમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે.

નોંધનીય છે કે ચણા વાયદા ૩,૪૦૦ની સપાટી ક્રોસ કરી ગયા છે. હાજર બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી છે. મોટા ભાગની એગ્રિ-કોમોડિટીના હાજર ભાવમાં સુધારો જોવા મળ્યો છે. ચણા પ્રતિકિલો ૬૦થી ૭૦ની સપાટીએ પહોંચ્યા છે, જયારે કાબુલી ચણામાં પણ મજબૂત સુધારો જોવાયો છે.

કાલુપુર બજારમાં મગ, ચણાની દાળ, અડદની દાળ પણ ૭૦થી ૯૦ની સપાટીએ પહોંચેલી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ લંબાતાં સ્ટોકિસ્ટોની ડિમાન્ડ વધતાં ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે.ઉલ્લેખનીય છે કે પાછલા મહિનાના બીજા સપ્તાહમાં ચણાના ભાવ ૫૫થી ૬૦ રૂપિયાની આસપાસ જોવા મળતા હતા, જયારે ચણાની દાળ ૬૦થી ૭૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ હતા. મગ પણ ૭૦થી ૮૦ રૂપિયાની આસપાસ વેચાતા હતા.(૨૨.૩)

(11:36 am IST)