Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

બેડ ન્યુઝ... સપ્ટેમ્બર સુધીમાં અલ-નિનો ફેકટર

ઓસ્ટ્રેલિયન હવામાન બ્યુરોનો દાવો

સીડની તા. ૨૦ : સપ્ટેમ્બરમાં અલ-નિનો શરૂ થાય તેવી સંભાવનામાં વધારો થયો છે. કેટલાક આંતરરાષ્ટ્રીય મોડલ તેનો નિર્દેશ કરે છે. તેનાથી ગયા મહિનામાં નબળા ચોમાસાની સંભાવના વધે છે.

એપ્રિલથી પેસિફિક સમુદ્રમાં દરિયાઇ સપાટી સતત ગરમ રહી છે, પરંતુ તે હજી પણ અલ-નિનો માટેની નિયત મર્યાદા કરતા ઓછી છે, તેમ ઓસ્ટ્રેલિયન હવામાન કચેરીએ તેના છેલ્લા અહેવાલમાં જણાવ્યું હતું.

ઘણા કલાઇમેટ મોડલ નિર્દેશ કરે છે કે પેસિફિક સમુદ્ર ગરમ થતાં સપ્ટેમ્બર સુધીમાં અલ-નિનોના સ્તરે પહોંચી જશે અને તે પાંચથી પંદર પખવાડિયામાં વધશે, તેમ ઓસ્ટ્રેલિયન હવામાન બ્યુરોએ મંગળવારે જણાવ્યું હતું.

ભારત માટે આ ખરાબ સમાચાર સાબિત થઇ શકે છે, કારણ કે મેના અંત સુધીમાં તેના ચોમાસાનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. જોરદાર પ્રારંભ પછી મહત્વનું હવામાન પરિબળ ગયા સપ્તાહે આગળ વધતાં અટકી ગયું છે અને તે આગામી કેટલાક દિવસોમાં આગળ વધે તેવી આગાહી છે. કૃષિ માટે જુલાઇ અને ઓગસ્ટ મહત્વના છે, તેથી અલ-નિનોની સ્થિતિ ત્યાં જોવા મળે તેવી સંભાવના નથી. બ્યુરોએ જણાવ્યું હતું કે, 'મહત્વની વાત એ છે કે પેસિફિકની સપાટી નીચેનો જળપ્રવાહ જે અલ-નિનોનો પૂર્વસંકેત મનાય છે, તે કોમન છે.'

વધારામાં આંતરરાષ્ટ્રીય કલાઇમેટ મોડલના આઠ સર્વેમાં એક આગાહી કરી છે કે આગામી મહિનાઓમાં પેસિફિક સમુદ્રનું તાપમાન વધારે પ્રમાણમાં વધશે. ભારતીય હવામાન વિભાગે પણ તેની છેલ્લી અલ-નિનો સમીક્ષામાં જણાવ્યું હતું કે, તે સપ્ટેમ્બરથી જોવા મળી શકે છે, સંભવ છે કે અલ-નિનોની સ્થિતિ તબક્કાવાર વધે.(૨૧.૮)

(11:34 am IST)