Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

યુપીઃ મિશન ર૦૧૯ -ગઠબંધન નહી થાય તો કોંગ્રેસ તૈયાર કરશે પ્લાન બી

સપા-બસપાનું વર્તન જોઇને ૭૦ સીટો પર ઉમેદવાર રાખવાની તૈયારી કોંગ્રેસે શરૂ કરી

લખનૌ તા. ર૦ :.. આવતી લોકસભા ચૂંટણીમાં ભાજપાને રોકવા તૈયાર થઇ રહેલા મહાગઠબંધનમાં કોંગ્રેસની એન્ટ્રી મુશ્કેલ લાગી રહી છે. જો સુત્રોનું માનવામાં આવે તો સપા-બસપા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને રાયબરેલી અને અમેઠી સિવાય કોઇ પણ બેઠક આપવા નથી માગતા જે કોંગ્રેસને બીલકુલ સ્વીકાર નથી.

આ સ્થિતીમાં થોડીક સીટો બાદ કરતા કોંગ્રેસ મોટા ભાગની બેઠકો પર પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની તૈયારીમાં છે. સુત્રોનું માનીએ તો હવે કોંગ્રેસ ૬પ થી ૭૦ બેઠકો પર પોતાનો ઉમેદવાર ઉભો રાખવા ઇચ્છે છે. સપા-બસપા સાથે જોડાયેલ સુત્રોનું કહેવું છે કે યુપીમાં કોંગ્રેસની પકડ સતત ઘટી રહી હોવાથી તેને મહાગઠબંધનમાં સામેલ કરવા રાજી નથી. સ્થાનીક પક્ષો વચ્ચે પાકી રહેલી ખીચડીમાં પોતાનો સમાવેશ કેમ કરવો તે કોંગ્રેસ માટે મહત્વનો મુદ્ે છે.

બસપા સુપ્રિમો માયાવતી અવાર નવાર કોંગ્રેસ પર પ્રહાર કરતા હોય છે. સુત્રોનું માનીએ તો માયાવતી પહેલાથી જ કોંગ્રેસને મહાગઠબંધનમાં સામેલ કરવાનો વિરોધ કરે છે. હવે અખિલેશને પણ આ વાત સમજાઇ ગઇ છે.

વર્તમાન પરિસ્થિતિમાં સપા માટે બસપાનો સાથ બહુજ જરૂરી છે. એટલે કે કોઇપણ કિંમતે 'બુઆ' ને નારાજ નથી કરવા ઇચ્છતા. કોંગ્રેસ સાથે સારા સંબંધ હોવાની વાત તો તે કરે છે. પણ ગઠબંધનની વાત આવે ત્યારે મૌન સાધી લે છે.

કોંગ્રેસ અને સપાના નેતા (નામ ન છાપવાની શર્તે) કહે છે કે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બન્ને પક્ષો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ફકત સાત બેઠકો જ જીતી હતી અને ફુલપુર-ગોરખપુર પેટા ચુંટણીમાં પણ તેની સ્થિતી અત્યંત ખરાબ હતી. આમ યુપીમાં કોંગ્રેસ  સતત નબળી પડી રહી છે. સપાના સુત્રો પ્રમાણે હારેલા હોવા છતાં પણ પોતાને મોટાભા માનવાની કોંગ્રેસી નીતિ પણ અલગાવનું કારણ છે.

જાણકારો પ્રમાણે યુપીમાં કોંગ્રેસ પાસે બે ઉપાય જ બચ્યા છે. પહેલુ તે બધી બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખે અને બીજૂ કોંગ્રેસના મોટા નેતા આગળ આવીને અખિલેશ-માયાવતી સાથે મોટા ભાગની બેઠકો પર સહીયારો ઉમેદવાર ઉભો રાખવાની વાત કરે. જો સોનીયા ગાંધીઆવો પ્રયાસ કરે તો કદાચ શકય બને. (પ-૧૩)

(11:33 am IST)