Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

લકઝરી આઈટમો થશે મોંઘીઃ લાગશે ૨ થી ૫ ટકા કિસાન સેસ

ખેડૂતોની આવક વધારવા અને 'ગન્ના કિસાનો'ને રાહત આપવા લદાશે સેસઃ જીએસટીની આગામી બેઠકમાં નિર્ણય લેવાશેઃ જે આઈટમ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છે તેના પર સેસ ઝીંકાશે

નવી દિલ્હી, તા. ૨૦ :. ખેડૂતોની આવક વધારવા અને શેરડીના ખેડૂતોને બાકી રકમ ચુકવવા સરકાર કિસાન સેસ લગાવવાની તૈયારી કરી રહી છે. જીએસટી કાઉન્સીલની આવતી બેઠકમાં આ નિર્ણય પર મંજુરીની મહોર લાગી શકે છે. નાણા મંત્રાલયના સૂત્રો પ્રમાણે આ બાબતનો જે પ્રસ્તાવ થયો છે. તેમા કહેવાયુ છે કે, જીએસટી હેઠળ લકઝરી ચીજો પર ૨૮ ટકા ટેકસ લાગે છે અને હવે તે વસ્તુઓ પર સેસ લાગશે. આનો મતલબ એવો થાય છે કે જે વસ્તુઓ પર ૨૮ ટકા જીએસટી લાગે છે તેમા પર કિસાન સેસ લાગશે અને તે ૨ થી ૫ ટકા જેટલો હશે.

સૂત્રો પ્રમાણે ખેતી ખર્ચ ઓછો કરવાનું અને શેરડીના ખેડૂતોને બાકી રકમ ચુકવવાનું દબાણ છે. આના માટે નાણા ભંડોળ ઉભુ કરવા માટે હવે કિસાન સેસ લગાવવાનો પ્રસ્તાવ તૈયાર થયો છે. જો કે તેના માટે રાજ્યોની સહમતી લેવી જરૂરી છે. પહેલા ખાંડ પર સેસ લગાવવાની વાત હતી પણ તેમા સરકારમાં જ બહુ મતભેદ હતો. ઘણા મંત્રાલયોનું કહેવુ છે કે સેસ લગાડવો એ જીએસટીની મૂળ ભાવનાની વિરૂદ્ધ છે. જો ખાંડ પર સેસ લગાડાશે તો બીજા રાજ્યો બીજી પ્રોડકટ પર સેસની માંગણી કરશે. થોડા સમય પહેલા જ પશ્ચિમ બંગાળે શણ પર સેસ લગાડવાની માંગણી કરી હતી.

સરકારે ખેડૂતોને વાયદો કર્યો હતો કે તેમની આવક બમણી કરશે અને શેરડીના ખેડૂતોને તેમની બાકી રકમ ચુકવશે. ખાંડની મીલો પાસે શેરડીના ખેડૂતોના ૧૮૦૦૦ કરોડ રૂ. બાકી છે. ખાંડ મીલોએ કરી દીધુ છે કે ખાંડનું ઉત્પાદન વધારે હોવાથી અમને બહુ નફો નથી મળતો એટલે ખેડૂતોને બાકી રકમ ચુકવવી મુશ્કેલ છે. આના માટે તેઓ સરકાર પાસે સોફટ લોન માગી રહ્યા છે અને સાથે જ ખાંડમાં ભાવ વધારો માગી રહ્યા છે જેથી તેમનો નફો વધે.

નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે જો કિસાન સેસ લગાવવા બાબતે જીએસટી કાઉન્સીલમાં સહમતી નહીં સધાય તો ખાંડ પર જીએસટી ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવાનો પ્રસ્તાવ પણ તૈયાર કરાયો છે. આનાથી પણ સરકારની આવકમાં વધારો થશે.(૨-૫)

(12:41 pm IST)