Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગુજરાતના સાહિત્યકારો દેહદાનનો રાહ ચીંધે છે

ચિનુ મોદી, તારક મહેતા અને વિનોદ ભટ્ટે દેહદાન કર્યુ ત્યારબાદ સમાજમાં દેહદાન વિશે જાગૃતિ ફેલાઇ

મુંબઇ તા. ર૦ :.. એક પછી એક એમ  ગુજરાતના શિરમોર ત્રણ-ત્રણ સાહિત્યકારોએ દેહનું દાન કરીને સમાજને રાહ ચીંધ્યો છે. પહેલાં તારક મહેતા પછી ચિનુ મોદી અને ત્યારબાદ વિનોદ ભટ્ટે પોતાના દેહનું દાન કરીને જીવતે જીવ અનેમર્યા પછી પણ સમાજને મદદરૂપ થયા છે. આ સાહિત્યકારોએ દેહદાન કર્યા બાદ સમાજમાં એક પ્રકારની જાગૃતિ ઊભી થઇ છે અને ઘણા લોકોએ દેહદાન બાબતે ઇન્તેજારી દર્શાવી છે અને કેટલાક સાહિત્યકારો પણ દેહદાન કરવા વિશે વિચારણા કરી રહ્યા છે.

ર૦૧૭ માં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠીત હાસ્યલેખક પદ્મશ્રી તારક મહેતા અને ગુજરાતના ગૌરવ સમા કવિ-સાહિત્યકાર  ચિનુ મોદીનું અવસાન થયું હતું. ગયા મહિને ગુજરાતી સાહિત્યના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટનું અવસાન થયું હતું. આ ત્રણેક સાહિત્યકારોનાં મૃત્યુ પછીની સમાનતા એહતી કે તેમણે તેમના દેહનું દાન કર્યુ હતું. મેડીકલ કોલેજમાં બોડી ડોનેટ  કર્યા બાદ એ મેડીકલ સ્ટુડન્ટસના અભ્યાસ માટે ઉપયોગી બનતી હોય છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં તારક મહેતા અને ચિનુ મોદીના દેહદાન બાદ તેમની બોડી પર ઘણા બધા સ્ટુડન્ટસે સ્ટડી કર્યો છે એટલું જ નહીં, પરંતુ તારક મહેતાના દેહદાનની વાત સાંભળીને હોસ્પિટલની મેડીકલ કોલેજમાં ઇન્કવાયરી આવી હતી. તો કેટલાકે દેહદાન માટે ફોર્મ ભર્યા હતાં.

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં આવેલી  મેડીકલ કોલેજના એનેટમી વિભાગના હેડ ડો. જિતેન્દ્ર પટેલે કહ્યું હતું કે 'વર્ષે દહાડે પ૦ જેટલાં દેહદાન થાય છે. મેડિકલના સ્ટુડન્ટસ માટે શરીર રચના એક પાયાનો સબ્જેકટ છે. ત્યારે સ્ટુડન્ટસ માટે આવતાં દેહદાન આવકાર્ય છે. સમાજમાં હવે અવેરનેસ આવી છે. લોકો જાગૃત બની રહ્યા છે.'

જાણીતા યુવા સાહિત્યકાર અંકિત ત્રિવેદીએ કહયું હતું કે 'દેહદાનની બાબતનું હું સમર્થન કરુ છું.' તારક મહેતા, ચિનુ મોદી અને વિનોદ ભટ્ટે દેહદાન કર્યુ. સાહિત્યકારો આ બાબતે વિચારે છે જેના કારણે એક મોટો વર્ગ સભાન થશે, આગળ આવશે. મૃત્યુ પછીની આપણી પરંપરાગત પ્રક્રિયા છે એમાંથી બહાર નીકળવાની સારી વાત છે. વિનોદ ભટ્ટના દેહદાન બાદ અમારા ઘરમાં એ બાબતે ચર્ચા થઇ હતી. મારી ઉંમર એટલી થઇ નથી, પરંતુ મારો પહેલો પ્રેફરન્સ દેહદાનનો રહેશે.'

(11:22 am IST)