Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

યોગ પોતે પોતાના જ માધ્યમથી પોતાના સુધી પહોંચવાની યાત્રા છેઃ ગીતા

આપણા શાસ્ત્રોમાં યોગનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક પૂર્ણ માર્ગ છે, રાજપથ

યોગ જીવન જીવવાની કળા

યોગ વિષે કોઈ પણ વાત કરતા પહેલા તેની સૌથી મોટી વિશેષતા જાણી લેવી જરૂરી છે. પ્રાચીન સમયમાં તેની રચના અને વર્તમાન સમયમાં તેનું જ્ઞાન અને તેનો પ્રસાર બધાના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. જો તમે યોગ પોતાને તંદુરસ્ત રાખવા માટે કરો છો તો તે ખૂબ જ સારી વાત છે. પરંતુ, જો તમે તેને માત્ર એક પ્રકારનું વ્યાયામ માનો છો તો એ તમારી બહુ મોટી ભૂલ છે.

યોગ એક મહત્વપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ

૨૧ જૂનના રોજ આખા વિશ્વમાં યોગ દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, તો આપણે યોગને માત્ર શરીરને વાળવા કે કેટલાક શારીરિક આસન સમજવાની ભૂલ ન કરવી જોઈએ. કારણ કે, આ વિશે એક મહત્વની વાતની જાણકારી બધાને હોવી જોઈએ કે યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાના સાધનથી પણ વધારે કંઈક છે.

સાઉદી અરબમાં યોગને રમતનો દરજ્જો

 યોગને લઈ ભારતમાં ભલે વિવાદ થતો હોય પરંતુ, વિદેશોમાં લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. જ્યારે યોગને લઈ ઈસ્લામિક દેશ સાઉદી અરબે એક મોટો નિર્ણય લીધો છે. હવે સાઉદી અરબે યોગને એક રમત તરીકે અધિકારીક માન્યતા આપી છે. હવે લાઈસન્સ લઈને સાઉદી અબરમાં યોગ શીખવાડી શકાશે. ઉપરાંત યોગ શિક્ષક નોફ મારવાઈ પ્રથમ સર્ટિફાઈડ યોગ શિક્ષક બન્યા.

ગલ્ફ કન્ટ્રીમાં લોકો યોગના ફાયદા અને તેના વિશે જાણતા થયા છે તેનો શ્રેય નોફ મારવાઈ જાય છે. કારણ કે તેને જ ગલ્ફ કન્ટ્રીમાં યોગના પ્રચારનું કામ કર્યું હતું. તેઓએ ૧૯ વર્ષની ઉંમરથી યોગ કરવાનું શરૂ કર્યુ હતું. તે દરમિયાન તેને ભારતીય યોગ ગુરૂઓએ પણ આ કળા અંગે માર્ગદર્શન આપ્યું હતું. યોગમાં પારંગત થતા ૨૦૧૦માં તેને સર્ટીફીકેટ મળ્યું હતું. ૨૦૧૫માં ભારતીય કાઉન્સલેટે તેઓને સમ્માનીત પણ કર્યા હતા. 

યોગ સંપૂર્ણ માનવજાતને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલ અમુલ્ય ભેટ

યોગ સંપૂર્ણ માનવજાતને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલ અમુલ્ય ભેટ છે, જે શરીર અને મન, કાર્ય અને વિચાર, સંયમ અને સંતોષ, તથા મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે એક (રીકન્સીલેશન) સ્થાપે છે, સ્વાસ્થ્ય અને કલ્યાણ કરે છે.

દરેક ભારતીય માટે ગર્વનો વિષય છે કે, ૨૦૧૫થી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના પરીણામરૂપે ૨૧ જૂનથી વિશ્વના દરેક ખૂણે ખૂણામાં યોગ દિવસ ધામધૂમથી મનાવવામાં આવે છે. જ્યારે ૨૦૧૪માં યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીમાં ભારતે (યોગનું માળખુ) પ્રસ્તુત કર્યુ હતું. ત્યારથી '૨૧ જૂન' તારીખે ઈતિહાસના પાનામાં હંમેશ માટે વિશેષ સ્થાન પ્રાપ્ત કરી લીધુ.

યોગ દિવસ માટે '૨૧ જૂન' કેમ?

પરંતુ, શું તમે જાણો છો કે ભારતીય યોગની (પતાકા) આખા વિશ્વમાં ફેલાવવા માટે '૨૧ જૂન' તારીખ પસંદ કરવા પાછળ કોઈ ખાસ કારણ છે કે શું? એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે તે ઉત્તરી ગોળાર્ધ પર પૃથ્વીનો સૌથી મોટો દિવસ હોય છે. તથા આજ દિવસે સૂર્યની સ્થિતી બદલીને દક્ષીણ બાજુ થાય છે. પરંતુ, સૌથી મહત્વપૂર્ણ વાત, આ તે જ દિવસ છે જ્યારે આદિ ગુરૂ ભગવાન શિવે યોગનું જ્ઞાન સપ્તઋષિઓને આપ્યું હતું. કહી શકાય કે આ દિવસે યોગ વિદ્યાનું ધરતી પર અવતરણ થયું હતું અને તેથી વિશ્વ યોગ દિવસ મનાવવા માટે આનાથી વધારે શ્રેષ્ઠ દિવસ કોઈ ન હતો.

જ્યારે ૨૦૧૫માં ભારતમાં પહેલો યોગ દિવસ મનાવાયો હતો, તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ૮૪ દેશોના (ગણમાન્ય) વ્યકિતઓએ તેમાં ભાગ લીધો હતો અને ૨૧ યોગાસન કરવામાં આવ્યા હતા. જેમાં ૩૫,૯૮૫ લોકોએ એક સાથે ભાગ લીધો હતો.

યોગ શરીરમાં પ્રવેશ કરી મન અને આત્માને પ્રવેશે છે

પરંતુ, આપણે એ વાત ન ભુલવી જોઈએ કે યોગ માત્ર શરીર જ નહીં મન અને આત્માનું શુદ્ધિકરણ કરી આપણને પ્રકૃતિ, ઈશ્વર અને પોતાને જ પોતાની નજીક લાવે છે. તો એ વાત પણ જાણી લો કે 'યોગાસન', 'અષ્ટાંગ યોગ'નું એક અંગ માત્ર છે. તે યોગ જે શરીરની અંદર પ્રવેશ કરી મન અને આત્માને સ્પર્શ કરે છે તે આસનોથી વધારે છે. તેમાં યમ અને નિયમનું પાલન, પ્રાણાયમ દ્વારા શ્વાસ એટલે કે જીવન શકિત પર નિયંત્રણ, બહારની વસ્તુઓ પ્રતિ ત્યાગ, ધારણ એટલે કે એકાગ્રતા, ધ્યાન અર્થાત ચિંતન અને અંતમાં સમાધિ દ્વારા યોગથી મોક્ષ પ્રાપ્તિ સુધીના લક્ષ્યને મેળવી શકાય છે.

આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે જે દેશ સદીઓથી યોગ વિદ્યાનો સાક્ષી રહ્યો છે તે દેશના મોટા ભાગના યુવાઓ આજે આધુનિક જીવનશૈલી અને ખાણી-પીણીની ખરાબ આદતોના કારણે ઓછી ઉંમરમાં ડાયાબીટીશ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનો શિકાર છે. પરંતુ, સારી વાત એ છે કે યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરી, પોતાની જીવન શૈલીનો ભાગ બનાવી આ બધી બીમારીઓથી બચી શકાય છે. ઉપરાંત પોતાને શારીરિક અને માનસિક બંને રૂપમાં સ્વસ્થ રાખી શકાય છે. અને કોઈ પણ દેશ માટે આનાથી વધુ સારી અમાનત બીજી કંઈ નથી કે તેના દેશના યુવાનો સ્વસ્થ, સ્ફૂર્તિ, જોશ અને ઉત્સાહથી ભરેલા હોય. તો આગળ વધો, યોગને તમારા જીવનમાં સ્થાન આપો અને દેશના વિકાસમાં તમારૂ યોગદાન આપો.

(9:50 am IST)