Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કોરોનાનું જોખમ ટળે એ પહેલાં નવા મન્કીપોક્સની એન્ટ્રી થઈ

વિશ્વમાં હજુ કોરોના વાયરસનું જોખમ ટળ્યું નથી : ડબલ્યુએચઓએ નાઇજીરિયાથી યુકે આવેલો વ્યક્તિ મન્કીપોક્સ વાઇરસથી ઇન્ફેક્ટેડ હોવાની જાહેરાત કરી હતી

વોશિંગ્ટન, તા.૨૦ : વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીનું જોખમ હજુ સુધી ટળ્યું નથી ત્યાં નવા મન્કીપોક્સ વાઇરસની એન્ટ્રી થઇ રહી છે. ૭મેના રોજ ડબલ્યુએચઓએ નાઇજીરિયાથી યુકે આવેલો વ્યક્તિ મન્કીપોક્સ વાઇરસથી ઇન્ફેક્ટેડ હોવાની જાહેરાત કરી હતી. ૨૯ એપ્રિલના રોજ આ વ્યક્તિ યુકેથી પહેલાં નાઇજીરિયા ગયો અને બાદમાં ૪ મેના રોજ યુકે પરત ફર્યો હતો. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ પણ તમામ દર્દીઓની સારવાર શરૃ કરી દેવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ તમામ દર્દીઓએ પોતાની ઓળખ ગે, બાયસેક્સ્યુઅલ અથવા અન્ય પુરૃષ સાથે શારિરીક સંબંધો બનાવ્યા હોવાની માહિતી આપી છે.

હવે અમેરિકા મેસાચ્યુસેટ્સ શહેરમાં પણ એક વ્યક્તિ મન્કીપોક્સ વાઇરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. આ વ્યક્તિ હાલમાં જ કેનેડા ગયો હતો, અમેરિકામાં મન્કીપોક્સ વાઇરસનો આ પ્રથમ કેસ છે. યુકેમાં દર્દીઓની સંખ્યા સાત પર પહોંચી છે, જ્યારે પોર્ટુગલ અને સ્પેનમાં પણ મન્કીપોક્સના કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી આફ્રીકાના માત્ર ચાર દેશોમાં જોવા મળતો હતો. આ વાઇરસ મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં સૌથી વધુ જોવા મળે છે.

અહીં જાણો, મન્કીપોક્સ વાઇરસ શું છે, તેના લક્ષણો, કેવી રીતે ફેલાય છે અને તે કેટલો ગંભીર છે.

મન્કીપોક્સ એ મન્કીપોક્સ વાઇરસથી થતી બીમારી છે જે ઓર્થોપોક્સવાઇરસ જીન્સ સાથે સંબંધિત છે જેમાં ચિકનપોક્સ પેદા કરતા વેરિયોલા વાઇરસ પણ સામેલ છે. મન્કીપોક્સ એક ઝૂનોસિસ છે, જે સંક્રમિત જાનવરોથી મનુષ્યોમાં ફેલાય છે.

મોટાંભાગે મન્કીપોક્સના દર્દીઓ સામાન્ય ઇલાજથી અમુક અઠવાડિયામાં જ ઠીક થઇ જાય છે, તેમ છતાં કેટલાંક કેસોમાં આ બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે. મન્કીપોક્સથી સંક્રમિત ૧૦ ટકા દર્દીઓના મોત થાય છે.

અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, આ વાઇરસની શોધ પહેલીવાર ૧૯૫૮માં થઇ હતી, જ્યારે સંશોધન માટે રાખવામાં આવેલા વાનરોની કોલોનીમાં ચિકનપોક્સ જેવી બીમારી જોવા મળી, તેથી જ તેનું નામ મન્કીપોક્સ રાખવામાં આવ્યું છે. ખિસકોલી, ગેમ્બિયન પાઉચવાળા ઉંદરો, ડોર્મિસ અને વાનરોની પ્રજાતિમાં આ ઇન્ફેક્શન જોવા મળે છે.

મન્કીપોક્સ એ ચિકનપોક્સ જેવા સમાન લક્ષણોના કારણે થાય છે, તે ઓછા ગંભીર હોય છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી અનુસાર, શરૃઆતમાં આ વાઇરસથી તાવ, માથાનો દુઃખાવો, માંસપેશીઓમાં દર્દ, પીઠ દર્દ, લિફ્મ નોડ્સમાં સોજા, ઠંડી લાગવી અને થાક લાગે છે. તેમાં સામાન્ય રીતે મોઢાં પરથી શરૃ થતાં ચિકનપોક્સ જેવા લાલ દાણા આખા શરીરમાં ફેલાય છે, જે અંતે ઠીક થતાં પહેલાં અલગ અલગ ચરણમાં રંગ બદલે છે અને બાદમાં પડી જાય છે.

 

 

(7:45 pm IST)