Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સ્‍વદેશી 5Gનું સફળ ટેસ્‍ટીંગ : કેન્‍દ્રિય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે જાતે વિડીયો કોલ કરી દેખાડયો

એક અન્‍ય ટ્‍વિટમાં તેમણે આઈઆઈટી મદ્રાસની ટીમને હાઈપરલૂપ બનાવવા માટે શુભેચ્‍છાઓ પણ પાઠવી

નવી દિલ્‍હી તા. ૨૦ : કેન્‍દ્રીય ઈલેક્‍ટ્રોનિક્‍સ અને આઈટી મિનિસ્‍ટર અશ્વિની વૈષ્‍ણવે આઈઆઈટી મદ્રાસમાં 5G કોલનું ટેસ્‍ટિંગ કર્યું. જેની સૌથી સારી વાત એ છે કે સમગ્ર નેટવર્ક ભારતમાં જ ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્‍યું છે. જે અંગેની જાણકારી અશ્વિની વૈષ્‍ણવે આપી છે. તેમણે 5G નેટવર્ક પર વિડીયો કોલ કરતા ત્‍યાં હાજર પત્રકારોને પણ કોલ દેખાડ્‍યો. તેમણે કહ્યું કે આઈઆઈટી મદ્રાસની ટીમ પર તમામને ગર્વ છે, જેમણે 5G ટેસ્‍ટ પેડ ડેવલપ કર્યું. જેથી સમગ્ર 5G ડેવલપમેન્‍ટ ઈકોસિસ્‍ટમ અને હાઈપરલૂપ ઈનિશિયેટિવને એક મોટી તક મળશે. તેમણે કહ્યું કે હાઈપરલૂપ ઈનિશિયેટિવને રેલવે મંત્રાલય તરફથી પૂરી મદદ મળશે.

કેન્‍દ્રીય ઈલેક્‍ટ્રોનિક્‍સ અને આઈટી મિનિસ્‍ટર અશ્વિની વૈષ્‍ણવનો આ વિડીયો તેમણે ટ્‍વિટર પર પણ પોસ્‍ટ કર્યો છે. તેમણે લખ્‍યું કે ભારતમાં વિકસિત 4G અને 5G નેટવર્ક, વડાપ્રધાન મોદીના આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને સિદ્ધ કરવાનો પ્રયાસ છે. એક અન્‍ય ટ્‍વિટમાં તેમણે આઈઆઈટી મદ્રાસની ટીમને હાઈપરલૂપ બનાવવા માટે શુભેચ્‍છાઓ પણ પાઠવી છે.

સ્‍પેસ સાયન્‍સના ક્ષેત્રમાં ભારતની એક પ્રાઈવેટ કંપની ધીરે-ધીરે ઈતિહાસ રચવાની નજીક પહોંચી રહી છે. લગભગ ૪ વર્ષ પહેલા બનેલી સ્‍કાયરૂટ એરોસ્‍પેસ પ્રાઈવેટ લિમિટેડએ ભારતના પહેલા પ્રાઈવેટ રોકેટ વિક્રમ-૧ના એન્‍જિનના ટેસ્‍ટિંગમાં મહત્‍વનો પડાવ સફળતાથી પાર કરી લીધો છે. વિક્રમ-૧ના ત્રીજા સ્‍ટેજનું સફળ પરીક્ષણ નાગપુરમાં કરાયું. વિક્રમ-૧ને આ વર્ષના અંત સુધીમાં લોન્‍ચ કરવાની યોજના છે. વિક્રમ-૧ રોકેટ એન્‍જિનના ત્રીજા તબક્કાનું ટેસ્‍ટિંગ આ મહિને ૫ મેએ નાગપુરમાં સફળતાપૂર્વક કરાયું. જોકે, સ્‍કાયરૂટએ આ સફળ ટેસ્‍ટ અંગે ૧૯ મેએ જાહેરાત કરી હતી. વિક્રમ-૧ના ત્રીજા તબક્કાના ટેસ્‍ટને ‘કલાસ ૧૦૦' નામ અપાયું હતું. રોકેટ એન્‍જિને સ્‍ટેટિક ફાયર ટેસ્‍ટ દરમિયાન પૂર્ણ સમયને સફળતાપૂર્વક પૂરો કર્યો. થર્ડ સ્‍ટેજનો બર્ન ટાઈમ ૧૦૮ સેકન્‍ડ રહ્યો.

વિક્રમ-૧ એક નાનું લોન્‍ચ વ્‍હીકલ છે, જે ૨૨૫ કિલોગ્રામ સુધીના પેલોડને સ્‍પેસમં ૫૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધી લોન્‍ચ કરી શકશે. તેનો હેતુ નાના સેટેલાઈટને લોન્‍ચ કરવાનો છે. આ લોન્‍ચ વ્‍હીકલનું નામ ઈન્‍ડિયન સ્‍પેસ અભિયાનના જનક કહેવાતા વિક્રમ સારાભાઈના નામ પર રખાયું છે. કંપની વિક્રમ સીરિઝના ત્રણ લોન્‍ચ વ્‍હીકલ બનાવી રહી છે. વિક્રમ ૨ રોકેટનો પેલોડ ૪૫૦ કિલોગ્રામ અને વિક્રમ ૩ની પેલોડ ૫૮૦ કિલોગ્રામ હશે.

(11:32 am IST)