Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ગુજરાત કેડરના આઇએએસ ઓફિસરના નિવાસસ્‍થાને સીબીઆઇના દરોડા

ગાંધીનગર, સુરત, સુરેન્‍દ્રનગર અને આંધપ્રદેશ ખાતે CBIના દિલ્‍હી યુનિટ દ્વારા હાથ ધરવામાં આવ્‍યું સર્ચ ઓપરેશન : આ અધિકારીનો સૌરાષ્‍ટ્રમાં કલેકટર તરીકે નિયુકિત દરમિયાન કલંકિત કાર્યકાળ હતો : જમીનના સોદામાં મોટા પાયે ભ્રષ્‍ટાચારમાં સંડોવાયેલા અધિકારી, લાંચ લઇને બંદૂકના લાયસન્‍સ અપાવતા

નવી દિલ્‍હી,તા. ૨૦ : CBIએ ૨૦૧૧ બેચના ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની ઓફિસ અને નિવાસસ્‍થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન ગાંધીનગર, સુરેન્‍દ્રનગર, સુરત અને ઓફિસરના હોમ સ્‍ટેટ આંધ્રપ્રદેશમાં એક સાથે હાથ ધરવામાં આવ્‍યું હતું. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્‍યું કે તપાસ એજન્‍સીના દિલ્‍હી યુનિટ દ્વારા અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો.

સીબીઆઈના સૂત્રોએ જણાવ્‍યું હતું કે, આ અધિકારીનો સૌરાષ્ટ્રમાં કલેક્‍ટર તરીકે નિયુક્‍તિ દરમિયાન કલંકિત કાર્યકાળ હતો. તેમના સૌરાષ્ટ્ર કાર્યકાળ દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી.

તેમની ગૃહ વિભાગમાંથી પણ બદલી કરવામાં આવી હતી કારણ કે તેમની વિરુદ્ધ એસીબીમાં ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જે ગૃહ વિભાગ હેઠળ આવે છે.

નિવૃત્ત એડિશનલ ચીફ સેક્રેટરી રેન્‍કના અધિકારી દ્વારા તેમની સામે પહેલેથી જ ઉચ્‍ચ સ્‍તરીય તપાસ ચાલી રહી છે. સીબીઆઈના સૂત્રોએ જણાવ્‍યું હતું કે અધિકારી પર શંકાસ્‍પદ જમીન સોદામાં હાથ હોવાનો અને લાંચ લીધા બાદ હથિયાર લાઇસન્‍સ આપવાનો આરોપ છે.

તમામ પ્રાથમિક માહિતીને ધ્‍યાનમાં લીધા બાદ CBI દિલ્‍હી યુનિટમાં અધિકારી વિરુદ્ધ જ્‍ત્‍ય્‍ નોંધવામાં આવી હતી.

CBIના દિલ્‍હી યુનિટની એન્‍ટી કરપ્‍શન વિંગની એક ટીમ ગુરુવારે સવારે ગાંધીનગર આવી પહોંચી હતી અને ગાંધીનગર સ્‍થિત CBI અધિકારીઓની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

તેવી જ રીતે, સીબીઆઈની ટીમો આંધ્રપ્રદેશમાં અધિકારીના વતન પર રવાના કરવામાં આવી હતી. ‘અમને જાણવા મળ્‍યું છે કે કેટલાક ખાનગી નાગરિકો પણ ભ્રષ્ટાચારના કૃત્‍યોમાં સામેલ હતા. અમે સૌરાષ્ટ્રમાં IAS અધિકારીના કાર્યકાળ દરમિયાન થયેલા જમીન સોદાઓની વિગતો તપાસીશું,' અધિકારીએ જણાવ્‍યું હતું.

તપાસમાં કેટલાક ખાનગી નાગરિકોની સંડોવણી પણ બહાર આવશે કે જેઓ IAS અધિકારી સાથે હાથ મિલાવ્‍યા હતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કલેક્‍ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમના શંકાસ્‍પદ જમીન સોદાઓથી લાભ મેળવ્‍યો હતો. સર્ચ ઓપરેશન અને તેના ખુલાસા અંગે સીબીઆઈ તરફથી આજે સત્તાવાર નિવેદન આવે તેવી શક્‍યતા છે. અધિકારીઓ એવા દસ્‍તાવેજો શોધવાની અપેક્ષા રાખે છે જે તેના વ્‍યવહાર પર વધુ પ્રકાશ ફેંકી શકે.

(11:47 am IST)