Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ઓમપ્રકાશ રાજભર આખરે કેબિનેટમાંથી દુર કરી દેવાયા

લોકસભા ચૂંટણી દરમિયાન શિસ્ત ભંગની સજા : ચૂંટણી પૂર્ણ થયા બાદ યોગી આદિત્યનાથ આક્રમક બન્યા

લખનૌ, તા. ૨૦ : ઉત્તર પ્રદેશમાં ભાજપના સાથી પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરને હોદ્દા પરથી દુર કરી દેવામાં આવ્યા છે. રાજભરની કેબિનેટમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. રાજ્યપાલ રામ નાઈકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભલામણ બાદ આ અંગેનો નિર્ણય આજે કર્યો હતો. યોગી આદિત્યનાથે રાજ્યપાલ સમક્ષ રાજભરને તરત દુર કરવા માટે રજુઆત કરી હતી. તેમની ભલામણ થયા બાદ તરત જ રાજભરને દુર કરવામાં આવ્યા હતા. આ પહેલા ઓમપ્રકાશ રાજભરની પાર્ટીમાં અન્ય સભ્યોની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીના અન્યો સભ્યો જે જુદા જુદા નિગમ અને પરિષદમાં અધ્યક્ષ અને સભ્ય તરીકે હતા. તેમને પણ દુર કરી દેવામાં આવ્યા છે. ઓમપ્રકાશ રાજભરે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છેકે, તેઓ મુખ્યમંત્રીના નિર્ણયને લઈને પરેશાન નથી. ગરીબોની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ઘણા લાબા સમયથી રાજભર પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને હરકતોને લઈને યોગી સરકાર માટે મુશ્કેલી વધારી રહ્યાહતા. આખરે યોગી આદિત્યનાથે તેમને કેબિનેટમાંથી દુર કરવાની ફરજ પડી હતી. યોગીએ કહ્યું છે કે, તમામ બાબતો પર વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યપાલ ઉપર નિર્ણયની જવાબદારી છોડી હતી.બીજી બાજુ ઓમપ્રકાશ રાજભરે કહ્યું છે કે, તેઓ પહેલાથી જ રાજીનામુ આપી ચુક્યા છે. સરકારી સુત્રોંએ કહ્યું છે કે, તેમના પુત્ર અરવિંદ રાજભર પાસેથી પણ રાજ્યમંત્રીનો દરજ્જો ખેંચવામા આવી શકે છે. અથવા તો ડેમેજ કન્ટ્રોલના ભાગરૂપે અનિલ રાજભરનું પદ વધારામાં આવી શકે છે. રાજભર હાલમાં અનેક પ્રકારની સમસ્યા ઉભી કરી રહ્યાહતા. તેઓ કોંગ્રેસ સાથે નજરે પડી રહ્યા હતા.

(7:33 pm IST)