Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ડાયાબિટીસથી પીડાતા અડધા લોકો પોતાની બીમારીથી અજાણ હોય છે

દેશભરના ૭.૨ લાખથી વધુ લોકોને સંશોધનમાં સામેલ કરાયા

નવી દિલ્હી તા.૨૦: ભારતમાં ૧૫ થી ૪૯ વર્ષની ઉમરના માત્ર અડધા ટકા લોકો પોતાની ડાયાબિટીસની સ્થિતિ અંગે જાણતા હોય છે. આ બીમારીથી પીડાતા માત્ર ચોથા ભાગના લોકોને સારવાર મળી શકે છે અને તેમની શુગર કન્ટ્રોલમાં રહે છે. એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે.

ડાયાબિટીસ સામે લડવા સૌથી પહેલા લોકોને તેના અંગે જાણકારી હોય તે જરૂરી છે, પરંતુ ૪૭.૫ ટકા લોકોને પોતાની બીમારી અંગે જાણ હોતી નથી. આ કારણે તેમને સારવાર મળી શકતી નથી. ડાયાબિટીસથી પીડાતા અને ગ્રામીણ ક્ષેત્રોમાં રહેત ગરીબો તેમજ ઓછા શિક્ષિત લોકોને દેખભાળ સૌથી ઓછી મળે છે.

આ અભ્યાસમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર સર્વેક્ષણના વર્ષ ૨૦૧૫-૧૬ના આંકડાઓનો ઉપયોગ કરાયો હતો.

જેમાં ૨૯ રાજ્ય અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧૫થી ૪૯ વર્ષના ૭.૨ લાખથી વધુ લોકો સામેલ હતા. આ સભ્યાસ નવીદિલ્હી સ્થિતિ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ મળીને કર્યો.

સંશોધકોએ જાણ્યું કે ડાયાબિટીસથી પીડાતા ૫૨.૫ ટકા લોકો પોતાની બીમારીની સ્થિતિ અંગે જાણે છે. લગભગ ૪૦.૫ ટકા લોકોએ જણાવ્યું કે તેઓ ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવા માટે દવા લે છે.

(4:36 pm IST)