Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ભાજપનો ધડાકો

કમલનાથ સરકાર લઘુમતીમાં : સત્ર બોલાવવા માંગ

રાજ્યપાલને પત્ર લખી ભાજપે માંગણી કરી : સરકાર પાસે પૂરતા સભ્યો નથી

ભોપાલ તા. ૨૦ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ પૂર્ણ થઇ ચુકી છે અને હવે ૨૩ મે ના રોજ તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ પૂર્વે જે 'એકિઝટ પોલ' ના અનુમાનો આવ્યા છે તે ફરી એકવખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે મધ્યપ્રદેશની કમલનાથ સરકાર લઘુમતીમાં હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાવવાનું શરુ કરી દીધું છે. મધ્યપ્રદેશ વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવે રાજયપાલને પત્ર લખીને વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

ગોપાલ ભાર્ગવે કહ્યું કે, જે પ્રકારથી કેન્દ્ર અને રાજયમાં ભાજપને અનેકગણું જનસમર્થન મળી રહ્યું છે. અનેક કોંગ્રેસી ધારાસભ્ય કમલનાથ સરકારથી પરેશાન થઈ ચૂકયા છે અને ભાજપની સાથે આવવા માંગે છે. તેઓએ કહ્યું કે ભાજપ હોર્સ ટ્રેડીંગ નહીં કરે, પરંતુ કોંગ્રેસના જ ધારાસભ્ય હવે તેમની સરકારની સાથે નથી. વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સરકારને આ સત્રમાં પોતાનું બહુમત પુરવાર કરવું પડશે. કારણ કે જનતા તેમને હવે સમગ્રપણે નકારી રહી છે. આ સરકાર પોતાના જ ભારથી પડી જશે.

આ પહેલા ઈન્દોરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈશાલ વિજયવર્ગીયે સીએમ કમલનાથ પર લોકસભા ચૂંટણીમાં ૨૨ સીટ જીતવાના દાવા પર કટાક્ષ કર્યો હતો. તેઓએ કહ્યું કે, ૨૩ મેના રોજ પરિણામો બાદ જોવાનું રહેશે કે કમલનાથ ૨૨ દિવસ મુખ્યમંત્રી રહેશે કે નહીં, તેની ઉપર જ પ્રશ્નચિન્હ છે.

બીજી તરફ, ખેડૂતોની લોન માફી પર રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કૈલાશ વિજયવર્ગીય રાજયમાં સરકાર આવતાં પહેલા ૧૦ દિવસમાં લોન માફીનો વાયદો કર્યો હતો અને લોન માફી ન થવાથી સીએમ બદલવાની વાત કહી હતી. બીજી તરફ, સાધ્વીના ગોડસેવાળા નિવેદન પર વિજયવર્ગીયે કહ્યું કે, સાધ્વીએ માફી માંગી લીધી, હવે મામલો ખતમ થવો જોઈએ.

(4:33 pm IST)