Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

બંગાળની ૯ બેઠકો ઉપર રેકર્ડ બ્રેક ૭૩ ટકા મતદાન

છૂટી છવાઇ હિંસાઃ સાડા ત્રણસોને જેલ ભેગા કર્યાઃ ૬ને ઇજાઃ કેટલેક સ્થળે ફેરમતદાન માટે ભાજપની માંગણી

કોલકતાઃ લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં પશ્ચિમ બંગાળની ૯ બેઠકો માટે છુટી છવાઇ હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક ૭૩.૫ મતદાન થયું હતું.

મુખ્ય ચુંટણી અધિકારી આરીઝ આફતાબે કહ્યું કે અમુક બનાવોને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. બૂથના અયોગ્ય મેનેજમેન્ટના બનાવોમાં અમે ત્રણ પ્રિસાઇડીંગ ઓફીસરોને બદલી નાખ્યા હતા. સામાન્ય ઝઘડામાં એક ઉમેદવારનું તથા તેના કાફલાનું એક એમ બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અમને કેટલીક ફરીયાદો મળી છે જેની તપાસ ચાલુ છે.

રાજયના એડી.ડીજી કાયદો અને વ્યવસ્થા સીધ્ધીનાથ ગુપ્તાએ કહ્યું કે કુલ ૩૪૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી રરની ધરપકડ અગમચેતીના પગલારૂપે કરાઇ હતી ૬ વ્યકિતઓ ઘાયલ થઇ હતી.

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપા પર કેન્દ્રીય દળો દ્વારા લોકોને ટોર્ચર કરવાનો આરોપ મુકતા કહ્યું હતું કે ભાજપા કેન્દ્રીય દળોનો ઉપયોગ લોકોને ટોર્ચર કરવા માટે કરે છે. મેં આવું કયારેય જોયું નથી આ ખરેખર અભૂતપૂર્વ છે.

જાદવપુર અને ડાયમંડ હાર્બર બેઠકના ભાજપા ઉમેદવાર અનુપમ હાઝરા અને નિલાંજન રોયના વાહનો પર મતદાન દરમ્યાન હુમલો થયાના સમાચાર જાણવા મળ્યા હતા. આ ઉપરાંત બશીરહાટ ખાતેના ભાજપા કાર્યાલયને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ભાજપાએ આક્ષેપ કર્યો હતો કે ટીએમસીના કાર્યકર્તાઓએ મતદારોમાં ભય ફેલાવવા માટે કેટલીક જગ્યાઓએ બોમ્બ ફેંકયા હતા ઉતર કલકતા બેઠકના ઉમેદવાર રાહુલસિંહાએ કહ્યું કે ટીએમસીના કાર્યકરો હાર ભાળી ગયા હોવાથી નર્વસ થઇને હિંસા ફેલાવે  છે.

ભાજપાએ કેટલાક બૂથોની બારીક તપાસ અને ફેર મતદાનની માંગણી કરતો પત્ર મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો છે જેમાં ડાયમંડ હાર્બર લોકસભા વિસ્તારના ફાલતા, બુડગે બુડગે અને સતગાચી આ વિસ્તારમાં વધારે પ્રોબ્લેમ હોવાનું જણાવ્યંુ છે.

(4:10 pm IST)