Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મ.પ્રદેશમાં ધાર્મિક વિધિ માટે દોઢ વર્ષમાં ૧૧ વાઘના શિકાર કર્યા

મુંબઇ તા. ૨૦ : મધ્યપ્રદેશ અને પાડોશી મહારાષ્ટ્રમાંથી આ મહિને કરાયેલી ૧૯ લોકોની અટકથી, વાઘ અને ચિત્તાના દેહના ભાગોને ગુપ્ત કાર્યપધ્ધતિઓમાં ઉપયોગ માટે પહોંચાડવા માટે વાઘ-ચિત્તાની હત્યા કરતા શિકારીઓના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઝડપાયેલા લોકો પૈકી મોટા ભાગના, વન્ય જીવ અભ્યારણ્યના બફર ઝોન અને કોરિડોર વિસ્તારમાં રહેતા આદિવાસીઓ છે, એમ મધ્યપ્રદેશ વન્ય જીવ વિભાગના અધિકારીઓએ ગઇકાલે જણાવ્યું.

મોટી બિલાડીઓના શરીરના ભાગો જેવા કે નહોર દાંત અને મૂછ વગેરે સ્થાનિક ધાર્મિક વિધિ કરનારાઓને અપાય છે. જેઓ માને છે કે ઉપરોકત વસ્તુઓ ભગવાનને ચઢાવવાથી પોતાના બાળકો બૂરી નજરથી બચી જાય, આરોગ્ય સુધરે તથા સમૃધ્ધિ આવે એવી વહેમી માન્યતાઓને સિધ્ધ કરવામાં મદદ મળે.

ફકત મધ્યપ્રદેશમાં જ જાન્યુઆરી, ૨૦૧૮ થી ઓછામાં ઓછા ૧૧ વાઘ અને કેટલાક ચિત્તાનો ઉપરોકત કારણોસર શિકાર કરવામાં આવ્યો છે. શંકાસ્પદ શિકારીઓની તપાસમાં જણાયું કે વાઘની મૂછનો ધાર્મિક વિધિમાં ઉપયોગ કરવાથી સમૃધ્ધિ વધે છે, જયારે કાયદા- કાનૂનની ઝંઝટથી બચી જવાય છે, એવી વહેમી માન્યતાઓ લોકોમાં પ્રચલિત છે, એમ મધ્યપ્રદેશના નાયબ વન સંરક્ષક રજનીશ સિંઘે જણાવ્યું વન વિભાગને જણાયું કે જેમના શરીરના ભાગોને ધાર્મિક વિધિમાં વાપરવામાં આવે છે એ મોટા ભાગની મોટી બિલાડીઓના શિકાર માટે વાઘ વસાહતોના બફર ઝોનમાં વીજકરંટ યુકત તાર પાથરીને છટકું ગેઠવાય છે. અથવા એમને ઝેર આપવામાં આવે છે. પ્રાણીઓ વિષે શિકારીઓને માહિતી પૂરી પાડનારાઓને બદલામાં પૈસા ચૂકવાય છે.

વાઘની હિલચાલ વિષે માહિતી મળ્યા પછી શિકારીઓ મોટા ભાગે, એમના જળ સ્ત્રોતોની પાસે વીજ વાયરોનું છટકું ગોઠવે છે. વાઘ કરંટ લાગવાથી મૃત્યુ પામે એ પછી શિકારીઓ એમના શરીરમાંથી પંજા, નહોર, મૂછ, ચામડી અને દાંત વગેરે કાઢી લે છે અને બાકી બચેલા મૃતદેહને જમીનમાં દાટી દે છે.

એ પછી શિકારીઓ સ્થાનિક ભુવાઓનો સંપર્ક કરે છે, જેઓ દલાલી લઇને વાઘના શરીરના એક-એક ભાગના રૂ.૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ માં સોદો કરે છે. મૃત પ્રાણીના શરીરના બધા ભાગોને વેચતા લાખો રૂપિયાની કમાણી થાય છે. એમ વન વિભાગ અધિકારીએ જણાવ્યું. પ્રિન્સિપલ મુખ્ય વનસંરક્ષક (વન્ય જીવ) યુ. પ્રકાશમે જણાવ્યું કે વન વિભાગ આવા શિકાર અને વહેમી માન્યતાઓ સામે, વન્યજીવ વિસ્તારમાં વસતા લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરે છે.

આદિવાસીઓને મોટી બિલાડીઓનો શિકાર કરવાથી કેવા કાનૂની પરિણામોનો સામનો કરવો પડે એ સમજાવાય છે. આ માટે ગ્રામ વિસ્તારોમાં પોસ્ટરો લગાવાય છે. જો કે અન્ય લોકોને પદાર્થપાઠ શીખવવવા ગુન્હેગારોને કડક સજા પણ કરાય છે, એમ એમણે ઉમેર્યું.

(3:54 pm IST)