Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

માથેથી જોડાયેલી બહેનો - સબા, ફરાહે પણ મતદાનની ફરજ નિભાવી

સબા અને ફરાહના શરીર બે છે, પણ મગજ એક જ છે

પટના તા. ૨૦ : બિહારમાં લોકસભા ચૂંટણીના આજે અંતિમ ચરણનું મતદાન થયું છે. ત્યાં પાટલીપુત્ર લોકસભા મતવિસ્તારમાં માથેથી જોડાયેલી બે બહેનો – સબા અને ફરાહે પણ મતદાન કરીને કર્તવ્ય માટેનું એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે. ૨૩ વર્ષની આ બંને બહેનોએ બે અલગ-અલગ મતદાર તરીકે વોટિંગ કર્યું છે. સબા અને ફરાહનાં શરીર બે છે, પણ મગજ એક જ છે.

આ બહેનોનાં મતવિસ્તાર પટનાસાહિબમાં ભાજપના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા મુખ્ય પ્રતિસ્પર્ધી છે. અલગ અલગ રીતે વોટ આપવાની એમની માગણીનો ૨૦૧૫ની બિહાર વિધાનસભા ચૂંટણી વખતે સ્વીકાર કરાયો નહોતો, પણ આ વખતે ચૂંટણી પંચે એમની માગણીનો સ્વીકાર કર્યો છે. ૨૦૧૫માં બંને બહેનો ૧૯ વર્ષની હતી અને એમનું એક જ વોટર આઈડેન્ટિટી કાર્ડ બનાવાયું હતું. એટલે તેઓ અલગ અલગ રીતે વોટ આપી શકી નહોતી.

આ બંને જોડકી બહેનો દિઘા વિધાનસભા મતવિસ્તારમાં મતદાર તરીકે નોંધાઈ છે. આ ક્ષેત્ર પટનાસાહિબ લોકસભા મતવિસ્તારમાં આવે છે. આ મતવિસ્તાર – પટનાસાહિબમાં ભાજપના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા મુખ્ય પ્રતિસ્પર્ધી છે. મતદાન કર્યાં બાદ બંને બહેનોએ ખુશી વ્યકત કરી હતી. આ વખતે બંને બહેનોને અલગ અલગ નામ સાથે મતદારપત્ર આપવામાં આવ્યાં હતાં. બંને બહેન પટના શહેરના સમનપુરા વિસ્તારની રહેવાસી છે અને એમણે મદરસા ઈસ્લામિયાનાં મતદાન કેન્દ્રમાં જઈને મત આપ્યો હતો.

આ બંને બહેનોને માથાથી અલગ કરવાનાં નિષ્ણાત ડોકટરોએ ઘણા પ્રયાસો કર્યા હતા, પણ સફળ થઈ શકયા નહીં. આ એકદમ જટિલ ઓપરેશન હોવાને કારણે સુપ્રીમ કોર્ટે તે કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. ઓપરેશનમાં બેઉમાંથી એક બહેનનો જાન જઈ શકે એમ હતો.

સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને આદેશ આપ્યો છે કે તે આ બહેનોનાં પરિવારને દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયા આપે.

બોલીવૂડ એકટર સલમાન ખાને આ બંને બહેનોની રક્ષા કરવાનું વચન આપ્યું છે. બેઉ બહેનો સલમાનની ચાહક રહી છે. અમુક વર્ષો પહેલાં એમણે રક્ષાબંધન તહેવારમાં મુંબઈ જઈને સલમાનને રાખડી પણ બાંધી હતી. સલમાને બંનેને વિમાનની ટિકિટ મોકલીને એમને મુંબઈ બોલાવી હતી અને બંનેનાં રહેવાનો પણ બંદોબસ્ત કરી આપ્યો હતો. ૨૦૧૫ના મે મહિનામાં, જયારે મુંબઈ હાઈકોર્ટ સલમાન ખાનને સંડોવતા હિટ એન્ડ રન કેસમાં ચુકાદો આપવાની હતી એ દિવસે આ બંને બહેનોએ સલમાનને કોઈ તકલીફ ન આવે એ માટે વ્રત રાખ્યું હતું.

(11:48 am IST)