Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગુજરાતમાં ડિફેન્સ કોરીડોર બનાવવા તૈયારી

આર્મી માટેના શસ્ત્રો બનશે : રાજ્ય સરકાર કેન્દ્રના સંપર્કમાં : નવી રોજગારી ઉભી થશે

નવી દિલ્હી તા. ૨૦ : ગુજરાત સરકાર અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તારો (ધોલેરા SIR), સુરેન્દ્રનગર અને કચ્છના થોડા વિસ્તાર તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ કોરિડોર તરીકે જાહેર કરે તેવી શકયતા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું, 'રાજયમાં શસ્ત્ર સરંજામના વિકાસ માટે સારો સ્કોપ છે. આમાં ડિફેન્સ વાહનો તથા સાધનોના ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે. આપણે હજુ સુધી આ સેકટરમાં પૂરતી તકોનો ઉપયોગ નથી કર્યો. રાજય સરકાર આ અંગે ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે.'

ગુજરાતમાં ૨૨ જેટલી કંપનીઓને ભારત સરકારે ડિફેન્સ મેનુફેકચરિંગનું લાયસન્સ આપ્યું છે. મોટાભાગની કંપનીઓ કેન્દ્ર સરકાર પાસેથી લીલી ઝંડીની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. L&Tએ સુરત નજીક હઝીરામાં ટેન્કના ઉત્પાદનનું કામકાજ શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય વાત એ છે કે ગુજરાત સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ પોલિસી ૨૦૧૬માં લાવ્યા બાદ પણ ગુજરાતમાંથી એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે ખાસ રોકાણ થયા નથી.

ઈન્ડસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે માઈન્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ગુજરાતની જે કંપનીઓ પાસે લાયન્સ છે તેમાંથી મોટાભાગની કંપનીઓને ભારત સરકારે ઓર્ડર આપ્યા નથી. અધિકારીએ જણાવ્યું, 'ડિફેન્સ અને એરોસ્પેસ સેકટર માટે અમારે હજુ ફેસિલિટી વિકસાવવાની બાકી છે. અમારે બંદૂકના ટેસ્ટિંગ, શોર્ટ ટર્મ મિસાઈલ માટે ૫૦થી ૧૦૦ કિ.મીની વસ્તી વિનાનો ઉજ્જડ વિસ્તાર ફાળવવો પડશે. આ બધી ફોર્માલિટી પૂરી ન થાય ત્યાં સુધી અમે કોઈ કંપનીને રોકાણ કરવા ન કહી શકીએ.'

આ પોલિસી અંતર્ગત સરકારે પ્રસ્તાવ મૂકયો છે કે પોલિસીના પાંચ વર્ષના ગાળામાં કંપનીઓને યુનિટ શરૂ કરવા જમીન જંત્રી દરના ૫૦ ટકાના ભાવે આપવામાં આવશે. આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટીમાં ૧૦૦ ટકા રિબેટ અને ખરીદેલી જમી પર રજિસ્ટ્રેશન ચાર્જ પણ માફ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉપરાંત ઉત્પાદન શરૂ થયુ તેના પાંચ વર્ષ સુધી ઈલેકિટ્રસિટી ડ્યુટી માફ કરવામાં આવશે.

(11:36 am IST)