Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ચૂંટણી પાછળ ૫૦,૦૦૦ કરોડનો ખર્ચઃ અમેરિકા કરતા પણ વધુ

૧૭મી લોકસભાની ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બની રહીઃ ૨૦૧૪ની ચૂંટણી કરતા ૪૦ ટકા ખર્ચ વધી ગયોઃ સોશ્યલ મિડીયા પાછળ જ ૫૦૦૦ કરોડનો ખર્ચ થયોઃ ૧૭મી લોકસભાની ચૂંટણીમાં વિજ્ઞાપન પાછળ ૨૬ અબજ રૂપિયા ખર્ચાયાઃ પ્રથમ ૩ લોકસભાની ચૂંટણીનો ખર્ચ ૧૦ કરોડ કે તેથી ઓછો હતોઃ ૧૯૮૪-૮૫માં ૮મી લોકસભાની ચૂંટણીનો ખર્ચ ૧૦૦ કરોડથી પણ ઓછો હતો

નવી દિલ્હી, તા. ૨૦ :. વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ૧૭મી લોકસભાની ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ ચૂંટણી બની છે. નવી દિલ્હી સ્થિતિ સેન્ટર ફોર મીડીયા સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે ૭ તબક્કામાં થયેલી આ ચૂંટણીનો કુલ ખર્ચ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા એટલે કે ૭ અબજ ડોલર છે. અમેરિકામાં ૨૦૧૬માં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી ત્યારે ખર્ચ ૬.૫ અબજ ડોલર થયો હતો.

આ સેન્ટરના જણાવ્યા પ્રમાણે ૨૦૧૪ની ચૂંટણીનો ખર્ચ ૫ અબજ ડોલર હતો. પાંચ વર્ષ બાદ ૨૦૧૯માં યોજાયેલી ૧૭મી લોકસભાની ચૂંટણીમાં ખર્ચમા ૪૦ ટકાનો વધારો થયો છે.

જે દેશની ૬૦ ટકા વસ્તી ૩ ડોલર પ્રતિ દિન પર ગુજારો કરે છે તેમાં પ્રતિ મતદાતા સરેરાશ ૮ ડોલરનો ખર્ચ લોકતંત્ર માટે શરમજનક છે. સૌથી વધુ ખર્ચ સોશ્યલ મીડીયા, પ્રવાસ અને જાહેરાત સ્વરૂપે કરવામાં આવે છે. ૨૦૧૪માં સોશ્યલ મીડીયા પાછળ માત્ર ૨૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વખતે આ ખર્ચ વધીને ૫૦૦૦ કરોડ રૂપિયા થયો છે.

ઝેનીથ ઈન્ડીયાના જણાવ્યા પ્રમાણે ૧૭મી લોકસભાની ચૂંટણી માટે ૨૬ અબજ રૂપિયા માત્ર વિજ્ઞાપન સ્વરૂપે ખર્ચ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ૨૦૧૪માં બન્ને મુખ્ય પક્ષોએ વિજ્ઞાપન પર લગભગ ૧૨ અબજ રૂપિયા ખર્ચ કર્યા હતા.

રાજ્યોના હિસાબથી લોકસભાની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ૫૦ લાખથી ૭૦ લાખ સુધીનો ખર્ચ કરી શકે છે. અરૂણાચલ, ગોવા અને સિક્કીમને બાદ કરતા કોઈપણ ઉમેદવાર પોતાના પ્રચારમાં વધુમાં વધુ ૭૦ લાખ ખર્ચી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા ૨૦ લાખથી ૨૮ લાખની વચ્ચે છે.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે પહેલી ૩ ચૂંટણીનો ખર્ચ ૧૦ કરોડથી ઓછો કે તેની બરાબર હતો. ૧૯૮૪-૮૫માં ૮મી લોકસભાની ચૂંટણીનો ખર્ચ ૧૦૦ કરોડથી ઓછો થયો હતો. ૧૯૯૬માં ૧૧મી લોકસભાની ચૂંટણીનો ખર્ચ ૫૦૦ કરોડ થયો હતો. ૨૦૦૪માં ૧૫મી લોકસભાની ચૂંટણીનો ખર્ચ ૧૦૦૦ કરોડ થયો હતો. ૨૦૧૪માં ખર્ચ ૩૮૭૦ કરોડ રૂપિયા થયો તો ૨૦૦૯ના ખર્ચથી તે ૩ ગણો વધુ હતો.

(11:33 am IST)